મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ ઘણા બધા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. પછી તે હમાસ, ઈરાન અને લેબેનોનમાં રહેલા હિઝબુલ્લા સાથે પણ ઈઝરાયલ યુદ્ધમાં છે. આ દરમિયાન દોઢ મહિના પહેલા થયેલા લેબેનોનમાં પેજર હુમલાને લઈ મહત્ત્વની કડી સામે આવી રહી છે. આતંકવાદી જૂથ હિઝબુલ્લાના હજારો પેજર અને વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા હતા. જેમાં 40થી વધુ લોકોનાં મોત થયા હતા અને ત્રણ હજારથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. હિઝબુલ્લાના લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર માત્ર 30 મિનિટમાં વિસ્ફોટ થઈ ગયા હતા. આ પેજરનો ઉપયોગ હિઝબુલ્લા ઈઝરાયલના રડારથી બચવા કરતા હતા, જેમાં જીપીએસ અને માઈક્રોફોન નહોતા.
લેબેનોનમાં પેજર હુમલાને લઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. તેમને રવિવારે એ વાત જણાવી કે તેઓને જ આદેશ હતો. સપ્ટેમ્બરમાં લેબેનોનમાં રહેલા આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર પેજર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 3,000થી વધુ ઘાયલ થયા હતા.
ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના પ્રવક્તા ઓમર દોસ્તીએ જણાવ્યું હતું કે, "નેતન્યાહૂએ જ લેબેનોનમાં પેજર ઓપરેશનને લીલીઝંડી આપી દીધી છે." રવિવાર 10 નવેમ્બરના રોજ કેબિનેટની બેઠકમાં, નેતન્યાહૂએ એ પણ સ્વીકાર્યું કે ઈઝરાયલી સૈન્યએ, સીધા આદેશો પ્રાપ્ત કર્યા પછી, બેરૂતમાં ચોક્કસ હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યા કરી હતી.
લેબેનોને આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તેણે ઘાતક હુમલાઓ અંગે યુએન શ્રમ એજન્સીને ફરિયાદ નોંધાવી છે, જેમાં ઈઝરાયલ પર માનવતા અને ટેકનોલોજી સામે ભયંકર યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હમાસ દ્વારા ઈઝરાયલ પર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ મધ્ય પૂર્વમાં એક વર્ષથી વધુ સમયથી અશાંત સુરક્ષાની સ્થિતિ છે, જેમાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલાએ ગાઝામાં યુદ્ધને વેગ આપ્યો, જેમાં 41,000થી વધુ લોકો માર્યા ગયા. લેબેનોન અને ઈરાનમાં પણ ઈઝરાયલના હુમલા ચાલુ છે.
હિઝબુલ્લાહનો વધુ એક કમાન્ડર ઠાર મરાયો
મળતી માહિતી અનુસાર, હિઝબુલ્લાહ કમાન્ડર સલીમ જમીલ અય્યાશ તાજેતરમાં જ ઈઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. સોશિયલ મીડિયા પરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સીરિયન શહેર અલ-કુસૈર નજીકના હુમલામાં અય્યાશ માર્યો ગયો હતો. વોશિંગ્ટનથી તેના માથા પર 10 મિલિયન ડોલરનું ઈનામ ધરાવતા અય્યાશ હિઝબુલ્લાહના યુનિટ 151 સિનિયર સભ્ય હતો, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર. વર્ષ-2020માં અને 2005માં બેરુતમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં લેબનીઝના ભૂતપૂર્વ વડાપ્રધાન રફીક હરીરીની હત્યા માટે યુએન-સમર્થિત ટ્રિબ્યુનલ દ્વારા અય્યાશને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.