વિશ્વના સૌથી ધનિક વ્યકિત એવા એલન મસ્કની સંપત્તિમાં ગત કેટલાક દિવસોથી સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી ટેસ્લાના શેરમાં તેજી આવી જતા મસ્કની સંપત્તિ 300 અબજ ડોલરના આંકડાની સપાટી વટાવી ગઈ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વિશ્વના ધનાઢયા વ્યકિત એલન મસ્ક ઉપર પૈસાનો વરસાદ શરૂ થવા લાગ્યો છે. દરરોજ મસ્કની નેટવર્ષમાં લાખ કરોડ રૂપિયા કરતાં વધુ વધી રહ્યા છે.
મસ્કની સંપત્તિ 314 બિલિયન ડૉલરે પહોંચી
સૌથી પહેલા વાત કરીએ એલન મસ્કની નેટવર્થની, જે 300 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. એક ખાનગી રિપોર્ટ અનુસાર, 17.4 બિલિયન ડોલરના તાજેતરના ઉછાળા પછી, એલન મસ્કની નેટવર્થ 314 બિલિયન ડોલરના સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ તેમની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસ ચૂંટણીના પરિણામ જાહેર થયાના બીજા જ દિવસે એલન મસ્કની નેટવર્થમાં રૂપિયા 2 લાખ કરોડથી વધુનો જંગી વધારો થયો છે.
ટેસ્લા શેરોએ ચમત્કાર સર્જયો
એલન મસ્કની નેટવર્થમાં આ ઉછાળા પાછળનું સૌથી મોટું પરિબળ તેની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેર હતા, જે તેજ ગતિએ ચાલી રહી છે. માત્ર 5 દિવસમાં 31.46 ટકાનો ઉછાળો આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન એક શેરની કિંમત 76.88 ડોલર અથવા આશરે રૂપિયા 6,487 વધી છે. એટલું જ નહીં, તાજેતરમાં જ ટેસ્લાનો સ્ટોક પણ તેના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે, જે પ્રતિ શેર 328.71 ડોલર છે.
ટ્રમ્પની જીત અને મસ્કની નેટવર્થ વચ્ચે શું સંબંધ?
હવે વાત કરીએ શું કનેક્શન છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી એલન મસ્કનો સ્ટોક ઝડપથી વધવા લાગ્યો અને તેની નેટવર્થ ઝડપથી વધવા લાગી. તો ઉલ્લેખનીય છે કે આમાં ચીન પણ સામેલ છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ચીન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં લોકોને હવે આશા છે કે આ વખતે ટ્રમ્પ સેલ્ફ-ડ્રાઈવિંગ ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ લગાવવા જેવો નિર્ણય લઈ શકે છે.
જો આવું બન્યું તો એલન મસ્કના ઈલેક્ટ્રિક વ્હીકલ ધંધામાં તેજી આવી શકે છે. આ શક્યતાઓને લીધે લોકો ટ્રમ્પની જીત બાદથી ટેસ્લા શેર્સ પર ભારે સટ્ટાબાજી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રમ્પે જે વચનો આપ્યા હતા તેમાં ચીનના ઉત્પાદનો પર 60 ટકા સુધીની ભારે આયાત ડ્યૂટી લગાવવાનું હતું. પ્રથમ ટર્મ દરમિયાન, આયાત ડ્યૂટીમાં 25 ટકા સુધીનો વધારો થયો હતો.
બિલ ગેટ્સ સહિત આ અબજોપતિઓને ફાયદો
મળતી માહિતી અનુસાર, એક ખાનગી રિપોર્ટ પર નજર કરીએ તો એલન મસ્ક સિવાય છેલ્લા 24 કલાકમાં જે મોટા અબજપતિઓને ફાયદો થયો છે તેમાં લેરી એલિસન પણ સામેલ છે, જેમની સંપત્તિમાં 3.80 બિલિયન ડોલર અથવા આશરે 32,065 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા સાથે, લેરી એલિસનની કુલ સંપત્તિ વધીને 202 બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ સિવાય બિલ ગેટ્સની નેટવર્થમાં 561 મિલિયન ડોલર અને વોરેન બફેટની સંપત્તિમાં 1.59 બિલિયન ડોલરનો વધારો થયો છે.