- ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ બન્યું ઘાતક
- 1 લાખ લોકોએ બંદૂકના લાઇસન્સ માટે કરી અરજી
- અત્યાર સુધીમાં યુદ્ધમાં 7000થી વધુ લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલુ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલી સરકારે રિઝર્વ સૈનિકોને બોલાવ્યા છે અને આ સૈનિકોએ તેમના દેશની સુરક્ષા માટે બંદૂકો હાથમાં લીધી છે. તેવામાં હવે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ લાઇસન્સ માટે અરજી કરી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ બન્યું ઘાતક
હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં લોકો બંદૂકના લાઇસન્સ માટે અરજી કરી રહ્યા છે. ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ લાઇસન્સ માટે અરજી કરી છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં લગભગ 1,400 ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા. સરહદ પર મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં આટલી મોટી જાન-માલનું નુકસાન થયું. આ દાવાઓને સમર્થન આપતાં, હમાસના લડવૈયાઓએ જમીન, દરિયાઈ અને હવાઈ માર્ગે ઈઝરાયેલમાં પ્રવેશ કર્યો અને હુમલો કર્યો. આ લડવૈયાઓએ તેમની સાથે 200 થી વધુ લોકોનું અપહરણ પણ કર્યું છે, જેઓ હાલમાં ગાઝામાં બંધક છે. જેને લઇ સ્થાનિકોએ પોતાની સુરક્ષાને લઇ 1 લાખથી વધુ લોકોએ લાઇસન્સ માટે અરજી કરી છે. ઈઝરાયલના નાગરિકોને હવે લાગે છે કે સુરક્ષા માટે સુરક્ષા દળો પર નિર્ભર રહેવું યોગ્ય નથી, તેથી પોતાના હથિયાર લઈને પોતાની સુરક્ષા કરવી વધુ સારું છે.
આતંકીઓ અંગે યોગ્ય માહિતી આપનારને અપાઇ નાણાંની ઓફર
ઈઝરાયેલી સુરક્ષા દળ (IDF)એ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બંધક બનાવાયેલ ઈઝરાયેલી નાગરિકોને બચાવવા માટે હમાસના આતંકવાદીઓ અંગે યોગ્ય માહિતી આપનારને નાણાંની ઓફર કરાઈ છે. ઉપરાંત આઈડીએફ માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાનું પણ વચન આપ્યું છે. આઈડીએફે કહ્યું કે, જો તમે શાંતિથી રહેવા ઈચ્છો છો અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છો તો તુરંત માનવીય કાર્ય કરો અને અમને બંધકોને છુપાવીને રાખેલા સ્થળો અંગે માહિતી આપો. ઈઝરાયેલી સેના તમને વિશ્વાસ આપે છે કે, અમે તમારા અને તમારા ઘરોને સુરક્ષા પુરી પાડવાના વધુમાં વધુ પ્રયાસો કરીશું. આ માટે તમને ઈનામરૂપે નાણાં આપવામાં આવશે. અમે તમને ગેરંટી આપીએ છીએ કે, આ કામગીરી ગુપ્ત રીતે થશે. માહિતી આપનારાઓ માટે ઈઝરાયેલી સેનાએ 8619 વૉટ્સઅપ, ટેલીગ્રામ, સિગ્નલ: +972503957992 નંબર જારી કર્યો છે.
અત્યાર સુધીમાં યુદ્ધમાં 7000થી વધુ લોકોના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ આજે 19મા દિવસે પણ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 5,800 લોકો માર્યા ગયા છે. 10 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ બંધકોને છોડાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. હમાસ ઇઝરાયેલ પાસે માગ કરી રહ્યું છે કે તેમાંથી કેટલાકને મુક્ત કરવાના બદલામાં ગાઝાને ઇંધણ સપ્લાય કરે. અગાઉ IDFએ કહ્યું હતું કે, 7 ઓક્ટોબરે અચાનક થયેલા હુમલા બાદ હમાસે તેના 222 નાગરિકોને બંધક બનાવ્યા હતા.