- હમાસનાં ઠેકાણાઓ પર ઈઝરાયેલનાં સંરક્ષણ દળોનો હવાઈ હુમલો
- ગાઝા પટ્ટી પર સંપૂર્ણપણે હમાસનાં આતંકવાદીઓનું નિયંત્રણ
- પશ્ચિન કાંઠે આતંકીઓ બનાવી રહ્યા છે હુમલાની યોજના
હમાસના હુમલાઓ બાદ ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે આતંકવાદ વિરુદ્ધ સૈન્ય અભિયાન ચલાવી રહી છે. આ દરમિયાન હમાસની સૈન્ય શાખાએ ગુરુવારે જણાવ્યું હતું કે તે પશ્ચિમ કાંઠાના નૂર શમ્સ શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલી સૈનિકોનો સામનો કરી રહી છે. હમાસે આ એન્કાઉન્ટરમાં 5 લોકોના મોતની માહિતી આપી છે. અગાઉ ઇઝરાયેલ સંરક્ષણ દળોએ કહ્યું હતું કે તેણે પશ્ચિમ કાંઠે નૂર શમ્સ પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિરમાં હમાસના આતંકવાદીઓ પર હવાઈ હુમલો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ આતંકવાદીઓની શોધમાં ઇઝરાયેલના સૈનિકો પશ્ચિમ કાંઠે ઘૂસી ગયા છે. ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં પેલેસ્ટિનિયન નેશનલ સિક્યોરિટી ફોર્સના કમાન્ડર જેહાદ મહેસેન માર્યા ગયા છે.
ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચે અથડામણ
હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડે જણાવ્યું હતું કે નૂર શમ્સ કેમ્પમાં અમારા સૈનિકો ઇઝરાયેલી દળો સામે હિંસક અથડામણમાં સામેલ છે જેમણે કેમ્પને ઘેરી લીધો છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે નૂર શમ્સ કેમ્પમાં અથડામણમાં ઓછામાં ઓછા પાંચ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે ગાઝા સિવાય હમાસના આતંકવાદીઓ પશ્ચિમ કાંઠે પણ છુપાયેલા છે જેઓ હુમલાની યોજના બનાવી રહ્યા છે. ઈઝરાયેલે પેલેસ્ટિનિયન વિસ્તારને બે ભાગમાં વહેંચી દીધો છે. જેનો એક ભાગ ગાઝા પટ્ટી અને બીજા ભાગને વેસ્ટ બેંક કહેવામાં આવે છે. ગાઝા પટ્ટી સંપૂર્ણપણે હમાસ દ્વારા નિયંત્રિત છે જ્યારે પશ્ચિમ કાંઠે રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના ફતાહનું વર્ચસ્વ છે.
ઈઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીના કમાન્ડરનું મોત
પેલેસ્ટિનિયન ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઈયાદ અલ-બોસોમે ગુરુવારે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન રાષ્ટ્રીય સુરક્ષા દળોના કમાન્ડર જેહાદ મ્હેસેન ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા છે. પ્રવક્તાએ આરબ ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, "અમે ગાઝા પટ્ટી રાષ્ટ્રીય સુરક્ષા દળોના કમાન્ડર જેહાદ મહસેનના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ." પ્રવક્તાએ જણાવ્યું હતું કે ''કમાન્ડર જ્યાં રહેતા હતાં તે ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. મહેસેન તેમના પરિવારના સભ્યો સાથે માર્યા ગયા. આ હુમલામાં ગાઝા પટ્ટીમાં બોર્ડર ક્રોસિંગના વડા ફવાદ અબુ બાતિહાન પણ માર્યા ગયા હતા.''