ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ અત્યારે આર્થિક સંકટની સાથે આરોગ્યના સંકટ સાથે ઝઝૂમી રહ્યો છે. બાંગ્લાદેશમાં ડૅન્ગ્યૂના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. નવેમ્બર મહિનાના શરૂઆતમાં જ 65 હજારથી વધુ કેસ સામે આવી ગયા છે. હોસ્પિટલમાં સ્થિતિ એવી છે કે એક પથારી ઉપર બે દર્દીઓની સારવાર કરવી પડે તેવી નોબત આવી છે.


ગયા મહિને ઑક્ટોબરમાં ડૅન્ગ્યૂના કારણે 134 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સાથે આ વર્ષે દેશમાં ડૅન્ગ્યૂના કારણે મૃત્યુઆંક 337 પર પહોંચી ગયો છે. બાંગ્લાદેશમાં ગયા વર્ષે ડૅન્ગ્યૂના કારણે આશરે એક હજાર લોકોનાં મોતની સરખામણીમાં આ આંકડો ઓછો હોવા છતાં ડૅન્ગ્યૂના વધતા જતા કેસોએ આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે.

નવેમ્બરમાં 65 હજારથી વધુ કેસ!

બાંગ્લાદેશમાં નવેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં 65 હજારથી વધુ ડૅન્ગ્યૂના દર્દીઓ નોંધાયા છે. ગંભીર કિસ્સાઓમાં, શરીરની અંદર અથવા નાક અને મોંમાંથી રક્તસ્રાવ થવાની સંભાવના છે. તે જ સમયે, ડબ્લ્યુએચઓએ પણ પાડોશી દેશમાં ઝડપથી ફેલાતા ડૅન્ગ્યૂને લઈને ચેતવણી જાહેર કરી છે અને તેને ખતરનાક ગણાવ્યું છે.

WHO એ ડૅન્ગ્યૂ વિશે ચેતવણી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ-2021થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે ડૅન્ગ્યૂના કેસ બમણા થઈ રહ્યા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ વર્ષના પ્રથમ 8 મહિનામાં સમગ્ર વિશ્વમાં ડૅન્ગ્યૂના 1 કરોડ 23 લાખ કેસ નોંધાયા છે, જ્યારે આશરે 8 હજાર લોકોનાં મોત થયા છે.

 હોસ્પિટલમાં એક બેડ પર બે દર્દીઓ

બાંગ્લાદેશની એક સરકારી સંસ્થાએ મફત ડૅન્ગ્યૂ પરીક્ષણો કરવાની પહેલ કરી છે, દર્દીઓ શહેરની હોસ્પિટલ અને શહેરી પ્રાથમિક આરોગ્યસંભાળ કેન્દ્રોમાં મફતમાં ડૅન્ગ્યૂ પરીક્ષણ કરાવી શકે છે. કેટલીક હોસ્પિટલોના પીડિયાટ્રિક વોર્ડની સ્થિતિ એવી છે કે બે-બે બાળકોને એક જ બેડ પર સારવાર લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

જ્યારે ઢાકાની એક મેડિકલ કોલેજના અધિકારીનું કહેવું છે કે, સામાન્ય રીતે આ સિઝનમાં ડૅન્ગ્યૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત ત્રણ અઠવાડિયામાં ડૅન્ગ્યૂના કેસ તેજીથી વધી રહ્યા છે. હોસ્પિટલના એક તબીબના જણાવ્યા અનુસાર, ગત મહિના કરતાં આ મહિને વધુ કેસ સામે આવી રહ્યા છે. જેથી અમે એક બેડ પર બે બાળકોની સારવાર કરી રહ્યા છીએ.

  • Follow us on: