રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની દિલથી પ્રશંસા કરી છે અને તેને એક મહાન શક્તિ ગણાવી છે. તેમણે ભારતીય અર્થતંત્ર, સંસ્કૃતિ અને ભવિષ્યની સંભાવનાઓની પ્રશંસા કરી હતી.
ભારતનું સ્થાન વિશ્વની મહાસત્તાઓમાં છે: પુતિન
વાલ્ડાઈ ડિસ્કશન ક્લબને સંબોધિત કરતી વખતે પુતિને ભારતના ઉત્કૃષ્ટ આર્થિક વિકાસ દરની પ્રશંસા કરતા કહ્યું કે, રશિયા અને ભારતના સંબંધો ઐતિહાસિક છે. બન્ને દેશોનો ઈતિહાસ પરસ્પર વિશ્વાસ અને સહયોગથી જોડાયેલો છે. ભારત અને રશિયા વચ્ચેનો સહયોગ રક્ષાથી લઈને આર્થિક વિકાસ સુધી લગભગ દરેક ક્ષેત્રમાં ગાઢ બન્યો છે. તેમણે કહ્યું કે, ભારતના સતત વધી રહેલા વૈશ્વિક વર્ચસ્વનો હવાલો આપતા કહ્યું કે ભારતનું સ્થાન વિશ્વની મહાસત્તાઓમાં છે.
પીએમ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા
વડાપ્રધાન મોદીએ 8 જુલાઈના રોજ રશિયાની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે રાષ્ટ્રપતિ પુતિનને ગળે લગાવ્યા હતા. પશ્ચિમી દેશોને મોદીનું પુતિનનું આલિંગન પસંદ ન આવ્યું. ત્યારે અમેરિકાએ ભારતને તટસ્થ ન રહી શકે તેમ કહીને એક પક્ષ પસંદ કરવાનું કહ્યું હતું.
સંઘર્ષનો ઉકેલ યુદ્ધ ન હોઈ શકે
તેમની રશિયા મુલાકાત પર તમામ હોબાળો અને ટીકાને અવગણીને પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે બોમ્બ અને ગોળીઓનો વરસાદ થતો હોય ત્યારે શાંતિ મંત્રણા સફળ થઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, સંઘર્ષનો ઉકેલ યુદ્ધ ન હોઈ શકે.
BRICS સમિટે બન્ને દેશો વચ્ચેની મિત્રતાને નવો આયામ આપ્યો
BRICS સમિટે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાને વધુ એક નવો આયામ આપ્યો. જુલાઈમાં કઝાકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં હાજર નહિ રહેલા પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિના કોલ પર બ્રિક્સમાં સામેલ થવા માટે ખાસ કઝાન ગયા હતા.
અમારા સંબંધોને અનુવાદકની જરૂર નથી: પુતિન
વાતચીત દરમિયાન પીએમ મોદી હિન્દીમાં અને રાષ્ટ્રપતિ પુતિન રશિયનમાં બોલી રહ્યા હતા. બન્ને નેતાઓના શબ્દોનો રશિયન અને હિન્દીમાં અનુવાદ કરવા અનુવાદકો હાજર રહ્યા હતા. પરંતુ પુતિને પીએમ મોદીને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને રશિયાના સંબંધો એટલા ગાઢ છે કે મને લાગે છે કે તમને અનુવાદકની મદદ વિના પણ મારી વાત સમજી શકશો. પુતિનની આ ટિપ્પણી પર પીએમ મોદી હસી પડ્યા.
પુતિનના આ નિવેદનથી ચીન કેમ નારાજ થશે?
પુતિને ઘણી વખત ભારત અને પીએમ મોદીના વખાણ કર્યા છે. ચીન માટે આ ચિંતાજનક બાબત બની શકે છે. કારણ કે ચીન રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ નિર્માતા બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીને 12 મુદ્દાની યોજના પણ રજૂ કરી હતી, પરંતુ તેના પર વાતચીત આગળ વધી શકી ન હતી. જ્યારે પુતિને એક વખત કહ્યું હતું કે, યુક્રેન સાથે શાંતિ વાતચીતમાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. બીજું કારણ એ છે કે, ચીન પણ મહાસત્તા બનવાની કોશિશ કરી રહ્યું છે, જ્યારે ભારત આ દોડમાં દરેકનો સાથ ઈચ્છે છે. હવે જ્યારે પુતિને ભારતને મહાસત્તા ગણાવ્યું છે, તો સ્વાભાવિક છે કે આનાથી ચીન નારાજ થઈ શકે.
ભારતને લઈને પુતિનના નિવેદનથી પાકિસ્તાન કેમ અસ્વસ્થ થશે?
રશિયાએ ક્યારેય ભારતના હિતોની વિરુદ્ધ કંઈ કર્યું નથી. પાકિસ્તાન સાથેનું 1971નું યુદ્ધ હોય કે 1999નું કારગિલ યુદ્ધ હોય રશિયાએ દરેક વખતે ભારતનો સાથ આપ્યો છે. એટલું જ નહીં તાજેતરમાં જ રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી. ચીનની મદદથી પાકિસ્તાન પણ બ્રિક્સનું સભ્ય બનવા માગે છે. પરંતુ ભારતના ના હોવાના કારણે તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં. હવે પુતિને ફરી એકવાર ભારત અને પીએમ મોદીના વખાણ કર્યા છે, તે પાકિસ્તાનના ઘા પર મીઠું છાંટવા જેવું હોઈ શકે છે.













