- યુએનના એક રિપોર્ટમાં મોટો દાવો સામે આવ્યો
- ગુપ્ત રીતે થઈ રહ્યું છે ન્યુક્લિયર હથિયારનું નિર્માણ
- ઉત્તર કોરિયા પર હવે યુએનની સતત નજર.
યુએનના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઉત્તર કોરિયાએ યુએનના પ્રતિબંધોને ફગાવી દીધા છે અને ગુપ્ત રીતે પરમાણું હથિયાર બનાવવાનું કામ ચાલું કરી દીધું છે. સતત અને સખત બેલેસ્ટિક મિસાઈલ છોડનાર ઉત્તર કોરિયાએ પ્રતિબંધોનું પાલન ન કરીને મનસ્વી વલણ દાખવ્યું છે. છુપી રીતે પરમાણું હથિયાર તૈયાર કરવાનું કામ ચાલું થઈ ચૂક્યું છે. જેને લઈને અમેરિકાએ ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. રોયટર્સે સંયુક્ત રાષ્ટ્રના અપ્રકાશિત અહેવાલને ટાંકીને આ માહિતી આપી છે.
લાખો પાઉન્ડની ખોટી રીતે કમાણી કરી
નોર્થ કોરિયાએ સાયબર હેકિંગ દ્વારા લાખો પાઉન્ડની કમાણી કરી છે. જેનો ઉપયોગ તે હથિયારો બનાવવા કરી રહ્યું છે. ઉત્તર કોરિયા પર લાદવામાં આવેલા યુએનના પ્રતિબંધો પર નજર રાખતા નિષ્ણાતોના જૂથે એક રીપોર્ટમાં આ વાત મૂકી હતી. જેના પરથી આ ઘટસ્ફોટ થયો છે. ઉત્તર કોરિયા પરમાણુ હથિયારો વિકસાવવાનું અને પરમાણુ વિખંડન સામગ્રીનું ઉત્પાદન કરવાનું ચાલુ રાખે છે. આ ઉપરાંત હથિયારના મોટા સ્ટોક પર એની નજર છે.
રીપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તર કોરિયામાં કોલસાની ગેરકાયદે નિકાસ ચાલુ છે. જેનો ઉપયોગ પરમાણું સામગ્રી તૈયાર કરવામાં થઈ રહ્યો છે. આ સાથે જ ઉત્તર કોરિયાએ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને 14 નવા જહાજો પણ હસ્તગત કર્યા છે. ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જો અને નાણાકીય સંસ્થાઓ પર સાયબર હુમલાઓમાંથી નાણાં એકત્ર કરવું એ ઉત્તર કોરિયા માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. ઉત્તર કોરિયા પર 2 હજારથી વધુ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આમ છતાં આ દેશ સતત પોતાની સૈન્ય તાકાત બતાવી રહ્યો છે.
વર્ષ 2006માં પહેલી વખત મિસાઈલ પરીક્ષણ કર્યું
આ પહેલા ગુરુવારે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સેનાના ટોચના જનરલને હટાવી દીધા હતા. તે જ સમયે, સરમુખત્યારે યુદ્ધની સંભાવના, શસ્ત્રોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને લશ્કરી કવાયતોના વિસ્તરણ માટે વધુ તૈયારી માટે હાકલ કરી. વર્ષ 2006માં આ દેશે પહેલી વખત ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો હતો. એ પછી સંયુક્ત રાષ્ટ્ર એના પર પ્રતિબંધ જાહેર કરી દીધો હતો. જેને તે આજ સુધી ફોલો કરતું નથી. એટલું નહીં ન્યૂક્લિયર મિસાઈલનું ઉત્પાદન રોકવા માટે પણ આદેશ આપવામાં આવ્યા હતા.