- ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં કરવામાં આવે છે દિવાળીની ઉજવણી
- દિપાવલીનાં પાવન પર્વ નિમિત્તે ન્યૂયોર્કની શાળાઓમાં રજાની જાહેરાત
- યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા નિયુક્ત કરતો કાયદો ઘડાયો
આગામી માસમાં હિન્દુઓનાં પવિત્ર પર્વ દિવાળીની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાનાં અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીનાં એક માસ પૂર્વે ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે બુધવારે પીપલ્સ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો હતો. એરિકે જણાવ્યું હતું કે દિવાળી એ અંધકારને દૂર કરવા અને તમારી આસપાસના વાતાવરણમાં પ્રકાશ લાવવાનો દિવસ છે
ન્યૂયોર્કનાં મેયરે ટ્વીટર પર પોસ્ટ કરી શેર
એરિક એડમ્સે હિંદુ સમુદાયનાં લોકો સાથે દિવાળીની ઉજવણીમાં ભાગ લેતા ટ્વીટર પર એક પોસ્ટ મુકી લખ્યું હતું કે ''દિવાળી એ માત્ર રજાઓ કરતાં વધુ છે. તે આપણા બધા માટે એક રિમાઇન્ડર છે કે આપણે જ્યાં પણ જોઈએ ત્યાં અંધકારને દૂર કરીને પ્રકાશમાં લાવવું જોઈએ. મને આપણા હિંદુ સમુદાયની પડખે રહેવાનો ખૂબ ગર્વ છે અને ગઈકાલે રાત્રે અમે દિવાળીની ઉજવણી માટે પીપલ્સ હાઉસમાં તેમનું સ્વાગત કર્યું."
ન્યુયોર્કની શાળાઓમાં રજાની જાહેરાત
જૂનની શરૂઆતમાં મેયર એરિક એડમ્સે જાહેરાત કરી હતી કે ''દિવાળીનાં પર્વ નિમિત્તે ન્યૂયોર્ક સિટીમાં શાળાઓમાંની રજા આપવાની તૈયારીઓ કરી લીધી છે. તેમણે જણાવ્યું હતું કે ''અંધકાર પર પ્રકાશના વિજયની યાદમાં દર વર્ષે હજારો ન્યૂયોર્કવાસીઓ દિવાળીની ઉજવણી કરે છે અને રાજ્યના ધારાશાસ્ત્રીઓએ તાજેતરમાં યુ.એસ.ની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે''.
નોંધપાત્ર વિજય
મેયર એરિક એડમ્સે આ ક્ષણને ભારતીય મૂળનાં સ્થાનિક પરિવારો માટે નોંધપાત્ર જીત ગણાવી હતી. મેયરે જણાવ્યું હતું કે ''દિવાળીનાં દિવસે શાળાઓમાં રજા તરીકે જાહેર કરવાની લડાઈમાં એસેમ્બલીના સભ્ય જેનિફર રાજકુમાર અને સમુદાયના નેતાઓ સાથે ઉભા રહેવા બદલ મને ખૂબ ગર્વ છે. મને ખબર છે કે તે વર્ષની થોડી વહેલી છે પણ શુભ દિપાવલી!." મેયરે ટ્વિટર પર લખ્યું હતું. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવશે તેથી તે 2024 માં પ્રથમ વખત શાળામાંથી એક દિવસની રજા રહેશે.