- ઈઝરાયેલ સહિત અનેક દેશોના 200 બંધકો હજુ હમાસની કસ્ટડીમાં
- હમાસ કમાન્ડરો પર દબાણ બનાવવા ભારત છે સક્ષમ: ઈઝરાયેલ
- ઈઝરાયેલના રાજદ્વારીએ PM નરેન્દ્ર મોદીના કર્યા વખાણ
ઈઝરાયેલના રાજદૂતે હમાસના કબજામાંથી બંધકોને છોડાવવા માટે ભારતની મદદ માંગી છે. તેમનું કહેવું છે કે ભારત હમાસ કમાન્ડરો પર દબાણ બનાવી શકે છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને 13 દિવસ થઈ ગયા છે, પરંતુ શાંત થવાને બદલે આગ ભભૂકી રહી છે. ઈઝરાયેલ સહિત અનેક દેશોના 200 બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. હવે ઈઝરાયેલે પણ આ બંધકોને છોડાવવાના પ્રયાસોમાં ભારત પાસે મદદ માંગી છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે બંધકોને છોડાવવા માટે ભારત તરફથી કોઈપણ પ્રકારની મદદનું અમે સ્વાગત કરીએ છીએ. એટલું જ નહીં, ઈઝરાયેલના રાજદ્વારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા અને કહ્યું કે અમને ભારત તરફથી સમર્થન મળી રહ્યું છે.
હમાસના હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ખાસ ફોન કર્યો હતો. ઇઝરાયેલના રાજદ્વારી અનુસાર PM મોદીએ જે રીતે ઇઝરાયેલ સાથે એકતા દર્શાવી છે તે હૃદય સ્પર્શી છે. ઇઝરાયેલના રાજદ્વારીએ કહ્યું કે તેને માત્ર વડાપ્રધાન મોદી જ નહીં, અધિકારીઓ, મંત્રીઓ, સિવિલ સોસાયટી અને સોશિયલ મીડિયા પરના લોકો તરફથી પણ ઘણો સપોર્ટ મળ્યો છે. વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે વાત કરતા ફરી એકવાર કહ્યું છે કે તેઓ અમારી સાથે ઉભા છે
હમાસ પર દબાણ વધારી શકે છે ભારત
ભારતમાં ઇઝરાયેલના રાજદૂત ગિલોન પણ માને છે કે હમાસ પર વૈશ્વિક દબાણ લાવવું ખૂબ જ જરૂરી છે. જો ભારત હમાસ પર પ્રભાવ ધરાવતા નેતાઓ સાથે વાત કરીને 200 બંધકોને છોડાવવામાં મદદ કરશે તો અમે આ પગલાને આવકારીશું. તેમનું કહેવું છે કે હમાસના કમાન્ડર ઈસ્તાંબુલ અને કતાર જેવા સ્થળોએ વૈભવી જીવન જીવી રહ્યા છે. ભારત વિશ્વમાં વિશેષ સ્થાન ધરાવે છે. ઘણા દેશો હમાસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ભારત વાતચીતમાં સફળ થશે તો અમે તેનું સ્વાગત કરીશું.
હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકો માર્યા ગયા હતા
ઇઝરાયેલના રાજદૂત ગિલોનનો દાવો છે કે હમાસ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)થી ડરે છે. તેણે એમ પણ કહ્યું કે ગાઝાની ગલ અહલી હોસ્પિટલ પર રોકેટ હુમલા પાછળ પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનો હાથ હતો. આ હુમલામાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે અને સમગ્ર વિશ્વમાં આ હુમલાની ટીકા થઈ રહી છે. ઈઝરાયેલે આ હુમલાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.