- હમાસ પાસેથી જપ્ત કરાયેલા હથિયારો ઉત્તર કોરિયામાં પામ્યા નિર્માણ
- ઉત્તર કોરિયાએ ગાઝા પટ્ટીને F-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ કર્યા સપ્લાય
- દ. કોરિયાનાં નિષ્ણાતો ઉ. કોરિયાનાં હથિયારોનો કરી રહ્યા છે અભ્યાસ
ઈઝરાયેલ-હમાસ વચ્ચેનાં ઘમાસાણ યુદ્ધ વચ્ચે અલગ અલગ દેશોએ પોતાના મંતવ્યો, વિરોધ અને સમર્થન રજૂ કર્યા છે. આ કટોકટીનાં સમયમાં બહુચર્ચિત દેશ ઉત્તર કોરિયાનું નામ ઉછળ્યું છે. દક્ષિણ કોરિયાના નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયાએ 7 ઓક્ટોબરના હુમલા માટે હમાસને હથિયારો પૂરા પાડ્યા હતા. દક્ષિણ કોરિયાના નિષ્ણાતોએ કેટલાક પુરાવાના આધારે આ દાવો કર્યો છે. જપ્ત કરાયેલા હથિયારો દર્શાવે છે કે રોકેટ ગાઝામાં નહીં પરંતુ ઉત્તર કોરિયામાં બનાવવામાં આવ્યા હતા.
હમાસ પાસે ઉત્તર કોરિયાનાં હથિયાર
ઉત્તર કોરિયાના હથિયારો પર નજર રાખનારા દક્ષિણ કોરિયાના બે નિષ્ણાતોએ આ દાવો કર્યો છે. હમાસે ઑક્ટોબર 7ના હુમલા માટે ઉત્તર કોરિયાના એફ-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને ખભાથી ચાલતા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. રોકેટ-સંચાલિત ગ્રેનેડ પ્રક્ષેપકો સિંગલ વોરહેડ ફાયર કરે છે અને ઝડપથી ફરીથી લોડ કરી શકાય છે. તે ખાસ કરીને ગેરિલા દળો સામે અસરકારક હથિયાર તરીકે કામ કરે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયાએ સીરિયા, ઇરાક, લેબનોન અને ગાઝા પટ્ટીને F-7 રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ સપ્લાય કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયાએ હંમેશા પેલેસ્ટિનિયન જૂથોને સમર્થન આપ્યું છે. સ્મોલ આર્મ્સ સર્વેના વરિષ્ઠ સંશોધક મેટ શ્રોડરએ જણાવ્યું હતું કે હમાસે તેના લડવૈયાઓના રોકેટ-સંચાલિત ગ્રેનેડ અને લોન્ચર્સ સાથેના ફોટા શેર કર્યા છે જેના વોરહેડમાં લાલ પટ્ટી હોય તેવું લાગે છે. આ બિલકુલ F-7 જેવું છે.
ઉત્તર કોરિયાના F-7નો ઉપયોગ
નિષ્ણાંતોનું કહેવું છે કે હમાસ સાથે ઉત્તર કોરિયાના શસ્ત્રો જોવું આશ્ચર્યજનક નથી. F-7 રોકેટ-સંચાલિત ગ્રેનેડનો ઉપયોગ સશસ્ત્ર વાહનોને બદલે લશ્કરી લક્ષ્યોને નષ્ટ કરવા માટે કરી શકાય છે. મંગળવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે ખાસ કરીને F-7ને ઉત્તર કોરિયાના શસ્ત્રોમાંથી એક તરીકે ઓળખાવ્યું હતું. તેઓ માને છે કે હમાસે હુમલામાં આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
ઉત્તર કોરિયાએ અમેરિકાને ઠેરવ્યું જવાબદાર
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના નિષ્ણાતોના દાવાને ફગાવી દીધા છે. ઉત્તર કોરિયાના વહીવટીતંત્રે આ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. વહીવટીતંત્રે અમેરિકા સામે આક્ષેપ કર્યો છે કે તે ઉત્તર કોરિયા વિરુદ્ધ જૂઠાણા અને અફવા ફેલાવી રહ્યું છે. ઉત્તર કોરિયાએ માત્ર હમાસને રોકેટ જ નથી મોકલ્યા પરંતુ નિષ્ણાતોના મતે હમાસે ઉત્તર કોરિયાની ટાઈપ 58 સેલ્ફ લોડિંગ રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો જે કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલનું એક સ્વરૂપ છે. આ સિવાય હમાસના લડવૈયાઓના પ્રમોશનલ વીડિયોમાં તેઓ ઉત્તર કોરિયાની બુલસે ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ સાથે જોવા મળ્યા હતા.