•  પાકિસ્તાનની સરકારી એરલાઈન PIA પણ દેવાનો બોજ
  • PIAના વિમાનો બાકી ચૂકવણી અને ઇંધણ પુરવઠા પર પ્રતિબંધોને કારણે બંધ
  • 24 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ અન્ય 12 ફ્લાઈટ મોડી પડી

પાકિસ્તાનમાં દિવસેને દિવસે આતંકી હુમલા અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. દેવાના બોજથી દબાયેલી પાકિસ્તાનની સરકારી એરલાઈન PIA પણ દેવાના બોજામાં ઊંડે ફસાઈ ગઈ છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ના વિમાનો બાકી ચૂકવણી ન કરવા અને ઇંધણ પુરવઠા પર પ્રતિબંધોને કારણે ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ જે પહેલેથી જ ખોટમાં ચાલી રહી હતી, તેથી 24 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ સિવાય 12 ફ્લાઈટ મોડી પડી હતી. 24 રદ કરાયેલી ફ્લાઇટમાંથી 11 આંતરરાષ્ટ્રીય અને 13 સ્થાનિક છે. આ સિવાય પીઆઈએએ બુધવાર માટે બે ડઝન ફ્લાઈટ્સ પણ કેન્સલ કરી છે, જેમાંથી 16 ઈન્ટરનેશનલ અને 8 ડોમેસ્ટિક છે. તે જ સમયે, ઘણી ફ્લાઇટ્સ મોડી ઉડશે. પીઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દૈનિક ધોરણે મર્યાદિત ઈંધણ પુરવઠાને કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જેટ ઈંધણના અભાવે મંગળવારે 13 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને 11 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય 12 વિલંબમાં મુકાયા હતા. 

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ લાંબા સમયથી તેના ઈંધણની ચૂકવણી કરી રહી નથી. પાકિસ્તાનની સરકારી કંપની પાકિસ્તાન સ્ટેટ ઓઇલે ચૂકવણી ન કરવાને કારણે સપ્લાય બંધ કરી દીધો છે. આ સંજોગોમાં પાકિસ્તાનની સરકારી એરલાઈન્સનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. રદ કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ દુબઈ, મસ્કત, શારજાહ, અબુ ધાબી અને કુવૈત જવાની હતી.

PIAના પ્રવક્તાએ કહ્યું કે રદ કરાયેલી ફ્લાઈટ્સના મુસાફરોને વૈકલ્પિક ફ્લાઈટ્સ દ્વારા તેમના ગંતવ્ય સ્થાનો પર મોકલવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પ્લેન આગળ ઉડશે કે નહીં તે પણ નક્કી નથી. PIAના પ્રવક્તાએ કહ્યું કે, મુસાફરોએ એરપોર્ટ પર આવતા પહેલા એરલાઇન્સના કોલ સેન્ટર અને તેમના ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરવો પડશે.

  • Follow us on: