ઈઝરાયલે ઈરાન પર વહેલી પરોઢિયે 100 ફાઈટર જેટથી ભીષણ હુમલો કરી ઈરાન સામે બદલો લઈ લીધો હતો. ઈઝરાયલના આ હુમલામાં ઈરાનના સૈન્ય સ્થળોને ટાર્ગેટ કરી હુમલો કરાયો હતો જેમાં ઘણા સ્થળો ધ્વસ્ત થયા હતા. આ હુમલા પછી ઈઝરાયલે એક નિવેદન બહાર પાડયું હતું.
ઈઝરાયલે કહ્યું કે, તેની પર સતત ઈરાન અને તેના ટેકેદારો તરફથી હુમલા થઈ રહ્યા હતા. અમે પણ વળતો હુમલો કરી બદલો લઈ લીધો છે. અમે પોતાના લોકો અને દેશના બચાવવા કંઈ પણ કરી છૂટીશું. ઈઝરાયલે આ હુમલાની જાણકારી અમેરિકાને આપી હતી. જો કે, અમેરિકા પણ આની પર સતત નજર રાખી રહ્યું છે.
વિદેશી હુમલાઓ સામે ઈરાનનું નિવેદન
ઈરાનના વિદેશ મંત્રાલયે તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે ઈરાન પાસે વિદેશી હુમલાઓ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર અને ફરજ છે. આ પ્રતિક્રિયા તાજેતરના ઇઝરાયલ હુમલા પછી આવી છે, જેમાં તેહરાને તેની સાર્વભૌમત્વ પરના કોઈપણ હુમલાનો સખત જવાબ આપવાની ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું, "ઈરાન પાસે વિદેશી આક્રમણ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર અને ફરજ છે." આ નિવેદન બાદ આ ક્ષેત્રમાં તણાવ વધુ વધી શકે છે, જ્યાં બંને દેશો વચ્ચે રાજકીય અને સુરક્ષા મુદ્દે મતભેદો ચાલુ છે.
ઈરાની સેનાના જણાવ્યા અનુસાર ઈઝરાયલના હવાઈ હુમલામાં બે સૈનિકોના મોત થયા છે. અગાઉ, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે શનિવારે ઈરાનમાં કેટલાક સૈન્ય લક્ષ્યો પર નક્કી સ્થળો પર હુમલાઓ' કરવાની જાહેરાત કરી હતી. આ સાથે ઈરાનની રાજધાની તહેરાનને ચેતવણી આપવામાં આવી હતી કે, ''જો તે તણાવ વધારવાની ભૂલ કરશે તો તેની સામે વળતી કાર્યવાહી કરવામાં આવશે.''
ઓમાન અને મલેશિયાએ હુમલાની નિંદા કરી છે
ઓમાને ઈરાની પ્રદેશ પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને વખોડી કાઢયો છે. તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, આવી ક્રિયાઓ શાંતિપૂર્ણ અને રાજદ્વારી માધ્યમથી તણાવ ઘટાડવા અને કટોકટીને નિયંત્રિત કરવાના પ્રયાસોને નબળી પાડે છે. મલેશિયાએ પણ નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ''આ હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન છે.''
પાકિસ્તાને ઈઝરાયલના હુમલાને વખોડી કાઢયું
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે ઈરાન વિરુદ્ધ ઈઝરાયલના સૈન્ય હુમલાની આકરી નિંદા કરી હતી. તેણે તેને સાર્વભૌમત્વ, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. "આ ક્રિયાઓ પ્રદેશને અસ્થિર કરે છે અને શાંતિને જોખમમાં મૂકે છે. અમે યુએન સુરક્ષા પરિષદ અને વૈશ્વિક સમુદાયને શાંતિ સ્થાપવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ," તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું.
સાઉદી અરેબિયાએ ઈઝરાયેલની નિંદા કરી
સાઉદી અરેબિયાએ ઈરાન પર ઈઝરાયલના હુમલાની નિંદા કરી છે. તેણે તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેણે તમામ પક્ષોને મહત્તમ સંયમ રાખવાની વિનંતી કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા અને સંઘર્ષને સમાપ્ત કરવા માટે પગલાં લેવા હાકલ કરી છે.













