ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન એવા હમાસના ચીફ યાહ્યા સિનવારના મોત પછી સમગ્ર ઈઝરાયલમાં ઉજવણીનો માહોલ છે. ઘણા વીડિયોમાં ઈઝરાયલી સૈન્ય સિનવારના મોતનું સેલિબ્રેશન કરતી નજરે પડી રહી છે. આ દરમ્યાન ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ સંબોધન કરીને કહ્યું કે, આજે હિસાબ બરાબર કરી લીધો છે. પરંતુ હજી સામે ઘણા બધા પડકારો છે. અમે પોતાના લક્ષ્યો પર અડગ રહેવા માગીએ છીએ. ઉપરાંત અમારા લોકોને નહીં છોડાય ત્યાં સુધી યુદ્ધ આવી રીતે ચાલુ રહેશે.


ઈઝરાયલ યુદ્ધ ચાલુ રાખશે

નેતન્યાહૂએ એક વીડિયો જાહેર કરીને ઈઝરાયલના નાગરિકોને વચન આપ્યું હતું કે હમાસ હવે ગાઝા પર શાસન નહીં કરે. હવે ગાઝામાં રહેતા લોકો આવી સરમુખત્યારશાહીથી મુક્ત થશે. ઈઝરાયલ તેમને આ જુલમમાંથી મુક્ત કરાવવા સક્ષમ છે. આ નિવેદન દ્વારા નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે સિનવારના મૃત્યુ પછી પણ ઈઝરાયલ આરામ કરશે નહીં.

નેતન્યાહૂની હમાસને ધમકી

એટલું જ નહીં નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે જો હમાસ 101 ઈઝરાયલ બંધકોને મુક્ત કરે છે તો તે તેમને જીવ આપી દેશે, પરંતુ જો તે તેમ નહીં કરે તો હમાસના તમામ લડવૈયાઓનું ભાવિ યાહ્યા સિનવાર કરતા પણ ખરાબ હશે.

નેતન્યાહૂએ બંધક બનેલા ઈઝરાયલી નાગરિકોના પરિવારોને પણ ખાતરી આપી હતી કે તેમનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી અને જ્યાં સુધી તમામ બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમની તમામ શક્તિ સાથે આ યુદ્ધ ચાલુ રાખશે. તેણે કહ્યું, 'હું બંધકોના પરિવારજનોને કહેવા માંગુ છું. જ્યાં સુધી અમારા તમામ લોકોને સુરક્ષિત ઘરે ન પહોંચાડવામાં આવે ત્યાં સુધી અમે અમારી તમામ તાકાત સાથે લડતા રહીશું.

રફાહમાં યુદ્ધ ચાલુ રહેશે

નેતન્યાહૂએ પોતાના આખા નિવેદનથી એક વાત સ્પષ્ટ કરી દીધી કે ઈઝરાયલ યુદ્ધ બંધ નહીં કરે. ઈઝરાયલના પીએમએ એમ પણ કહ્યું કે તેઓ રફાહમાં પણ તેમના અભિયાનને આગળ ધપાવશે. આના પરથી સ્પષ્ટ છે કે ઈઝરાયલ તેની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે, પછી ભલે ગમે તે થાય. રફાહ ગાઝા પટ્ટીનું એક મોટું શહેર છે, ત્યાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી ખૂબ નોંધપાત્ર હોઈ શકે છે.

સિનવારના મૃત્યુ પર જો બાઈડેને શું કહ્યું?

સિનવારના મોત પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે આ દિવસ ઈઝરાયલની સાથે સાથે અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે સારો હતો. ઈઝરાયલના વિદેશ મંત્રી ઈઝરાયલ કાત્ઝે તેને દેશની મોટી સૈન્ય અને નૈતિક જીત ગણાવી છે. તેણે સિનવારને જણાવ્યું હતું કે તે સાત ઑક્ટોબરે ઈઝરાયલ પર થયેલા હુમલા માટે જવાબદાર છે. આ હુમલામાં 1,200થી વધુ લોકો માર્યા ગયા હતા અને 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

ઈઝરાયલમાં ઉજવણીનો માહોલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આવા ઘણા વીડિયો આવી રહ્યા છે, જેમાં ઈઝરાયલના લોકો ઉજવણી કરતા જોઈ શકાય છે. ઈઝરાયલના લોકો ઉજવણી કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યાહ્યા સિનવરના મૃત્યુના અહેવાલ પછી લોકો બૂમો પાડી રહ્યા છે અને આનંદથી તાળીઓ અને ચિચિયારીઓ પાડી રહ્યા છે. સિનવારના મૃત્યુની પુષ્ટિ થતાં ઈઝરાયલમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.


  • Follow us on: