- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- PM નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ ઘડી કૂટનીતિ
- તુર્કી, લેબનોન, કતારમાં હમાસના નેતાઓને ખતમ કરવા આદેશ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધવિરામ બાદ ફરીથી યુદ્ધ શરૂ થયું છે. યુદ્ધ દરમિયાન ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ ગુપ્તચર એજન્સીઓને હમાસના નેતાઓને શોધીખોળ કરીને ખતમ કરવાનો આદેશ આપ્યો છે.
ઇઝરાયેલના PM નેતન્યાહુએ ગુપ્તચર એજન્સીઓને માત્ર ગાઝામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હમાસના નેતાઓને શોધીને ખતમ કરવાના આદેશ આપ્યા છે. આ આદેશ બાદ ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓ આ આદેશને પૂર્ણ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ યોજનાને પૂર્ણ કરવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. ગુપ્તચર એજન્સીઓ તુર્કી, લેબનોન અને કતારમાં હમાસના નેતાઓને મારવાની યોજના બનાવી રહી છે.
મોટાભાગના નેતાઓ કતારમાં રહે છે
એવું માનવામાં આવે છે કે હમાસના ઘણા નેતાઓ કતારમાં રહે છે. હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનીયે, હમાસના વડા યાહ્યા સિનવાર અને ખાન યુનિસના કસાઈ તરીકે જાણીતા પણ કતારમાં રહે છે. કતારમાં હમાસનું રાજકીય કાર્યાલય પણ છે. આ ઓફિસ વર્ષ 2013માં ખોલવામાં આવી હતી, જ્યારે અમેરિકાએ તેને બંધ કરવાના તમામ પ્રયાસો કર્યા હતા. ગાઝામાં સાત દિવસીય યુદ્ધવિરામ લાવવામાં કતારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે હમાસે ગાઝામાંથી 100થી વધુ બંધકોને મુક્ત કર્યા છે.
'હમાસ નેતાઓ ઉછીનું જીવન જીવે છે'
અમેરિકન અખબાર લખે છે કે નેતન્યાહૂએ ગુપ્તચર અધિકારીઓને આ કામ ગુપ્ત રીતે હાથ ધરવા કહ્યું છે. જોકે, 22 નવેમ્બરે નેતન્યાહૂએ જાહેરમાં આવું જ કંઈક કહ્યું હતું. તેણે કહ્યું હતું કે તેણે ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને હમાસના નેતાઓને મારવાનો આદેશ આપ્યો હતો. જ્યારે નેતન્યાહુ આ બધું કહી રહ્યા હતા ત્યારે તેમની સાથે ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટ ઉભા હતા. તેમણે કહ્યું હતું કે, હમાસના નેતાઓ ઉછીનું જીવન જીવી રહ્યા છે, તેમના મૃત્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે.