ઈઝરાયલે વર્ષ-1973 પછી પ્રથમવાર યુદ્ધ દરમિયાન યોમ કિપ્પુર પર્વની ઉજવણી કરી હતી. આ દિવસે યહૂદી કેલેન્ડરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. યહૂદી ધર્મ પર આસ્થા ધરાવતા લોકોનો આ મુખ્ય તહેવાર છે. વર્ષ-1973 પછી આ પ્રથમ પ્રસંગ છે, જ્યારે સક્રિય યુદ્ધની વચ્ચે ઈઝરાયલે આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. હુમલાઓને લઈ ઈઝરાયલની પોલીસે દેશભરમાં હાઈએલર્ટ આપ્યું હતું.



ઈઝરાયલમાં તહેવારના દિવસે પણ દુશ્મન દેશો તરફથી ઈઝરાયલ પર સતત રોકેટ છોડવામાં આવી રહ્યા છે. શુક્રવારે ઈઝરાયલ પર 120થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા પ્રમાણે પવિત્ર દિવસના પ્રારંભના કલાકોમાં જ ગાઝા તરફથી ઈઝરાયલના વિસ્તારોમાં 120થી વધુ રોકેટનો હુમલો કરવામાં આવ્યો હતો. 

 હિઝબુલ્લાહે ચેતવણી આપી હતી

હિઝબુલ્લાએ શુક્રવારે ઈઝરાયલી નાગરિકોને દેશના ઉત્તર ભાગમાં રહેણાક વિસ્તારોમાં સ્થિત લશ્કરી સ્થળોથી દૂર રહેવા ચેતવણી આપી હતી. આતંકવાદી જૂથે ઇઝરાયેલી સેના પર તેના લશ્કરી સ્થાપનો માટે, ખાસ કરીને હાઈફા, ટિબેરિયસ અને એકર જેવા મોટા શહેરોમાં નાગરિક વિસ્તારોનો ઉપયોગ ઢાલ તરીકે કરવાનો આરોપ મૂક્યો છે. ગત 23 સપ્ટેમ્બરથી ઈઝરાયલે લેબનોનમાં હવાઈ હુમલાઓ તીવ્ર કર્યા છે, જે લેબનાનના સંગઠન હિઝબુલ્લાહને ખતમ કરવા માટે કરવામાં આવી રહી છે.

27 સપ્ટેમ્બરના રોજ, બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં એક મોટા હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને તેના કેટલાક સહયોગીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 7 ઑક્ટોબરે હમાસે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો હતો જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે 100થી વધુ બંધકો હજુ પણ ગાઝામાં છે. આ હુમલા પછી, ઇઝરાયલે હમાસના નિયંત્રણવાળી ગાઝા પટ્ટીમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી, શુક્રવારે મળતી માહિતી મુજબ, ઓક્ટોબર 2023થી ગાઝામાં ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 42,065 લોકો માર્યા ગયા છે અને 97,886 ઘાયલ થયા છે.

આ યુદ્ધ 51 વર્ષ પહેલા શું થયું હતું?

51 વર્ષ પહેલા યોમ કિપ્પુરના તહેવાર દરમિયાન એક મોટું યુદ્ધ થયું હતું, જેમાં ઈજિપ્તના સૈનિકોએ સિનાઇ પર હુમલો કર્યો હતો અને સીરિયન સૈનિકોએ ગોલાન હાઇટ્સ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધ યહૂદીઓના સૌથી પવિત્ર દિવસે થયું હતું. આમાં, આરબ આર્મી વર્ષ-1967માં ત્રીજા આરબ-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન ગુમાવેલો પ્રદેશ પાછો મેળવવાની આશા રાખતી હતી. ફરી એકવાર આ યુદ્ધમાં આરબ દેશોને ભારે નુકસાન થયું અને ઈઝરાયલે પહેલા કરતાં વધુ વિસ્તાર કબજે કર્યો હતો. આ જોઈ દુશ્મન દેશો પણ પીછેહઠ કરી ગયા હતા.

ભારતે ચિંતા વ્યક્ત કરી હતી

 ભારતે શુક્રવારે કહ્યું કે, તે લેબનોનની દક્ષિણી સરહદ પર 120 કિમી લાંબી 'બ્લૂ લાઇન' પર બગડતી સુરક્ષા સ્થિતિને લઈને ચિંતિત છે. લેબનોનમાં યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ ફોર્સ (UNIFL) એ ગુરુવારે ખુલાસો કર્યો હતો કે તેના નાકૌરા હેડક્વાર્ટર અને નજીકના ઠેકાણાઓ પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. યુએનઆઈએફએલએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ મેર્કાવા ટેન્ક વડે નાકૌરામાં તેના મુખ્યમથક પર એક સર્વેલન્સ ટાવરને નિશાન બનાવ્યું હતું. હુમલામાં, બે શાંતિ સૈનિકો સીધા ટાવર પર પડ્યા અને ઈજાગ્રસ્ત થયા હતા. યુએન ફોર્સમાં ઘણા ભારતીય પીસકીપર્સ પણ સામેલ છે, જોકે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સુરક્ષિત છે.


  • Follow us on: