પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં છેલ્લા ઘણા મહિનાઓથી અરાજકતાનો માહોલ સર્જાયો છે. દિવસેને દિવસે આતંકવાદી હુમલા, મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન, વીજ વધારા મુદ્દે વિરોધ, ઈમરાન ખાનને જેલમાંથી છોડાવવા ટેકેદારોનું આંદોલન આ તમામ મુદ્દે પાકિસ્તાનમાં સતત અશાંતિ અને અરાજકતા જેવી સ્થિતિ છે. આટલું ઓછું હોય તેમ પાકિસ્તાને એસસીઓ સમિટનું ભપકાદાર આયોજન પણ કરી દીધું છે, જેથી આ સમિટ થાય તે પહેલા પાકિસ્તાનમાં સતત વિરોધ અને હુમલાની ઘટના બનતી રહી છે.

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ અને સૌથી અશાંત વિસ્તાર એવા બલૂચિસ્તાનમાં શુક્રવારે સવારે હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બંદૂકરાધીઓએ 20 ખાણિયાઓની હત્યા કરી દીધી અને સાત ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આપેલી જાણકારી અનુસાર, પાકિસ્તાનની રાજધાનીમાં યોજાનાર શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનથી ઠીક પહેલા આ હુમલો થયો છે. 

ખાણ અને મશીનોમાં આગચંપી

પાકિસ્તાનના ડુકી જિલ્લામાં રાજકીય નેતાએ ઘટના અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. બલૂચિસ્તાન પ્રાંતના ડુકી જિલ્લામાં આ હુમલાની ઘટના સર્જાઈ છે. અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરતા ઘણા લોકોની હત્યા કરી છે અને તેઓએ એવું પણ સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કર્યો કે, હુમલાખોરો ઘટનાસ્થળથી પલાયન થાય તે પહેલા ખાણ અને મશીનરીમાં આગચંપી કરી હતી. 

હુમલાની જવાબદારી કોઈએ ન સ્વીકારી

મળતી માહિતી અનુસાર, બલૂચિસ્તાનમાં આવાસીય વિસ્તારમાં બંદૂકધારીઓએ ચારેબાજુઘી ઘેરી વળીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આમાંથી મોટાભાગના લોકો બલૂચિસ્તાનના પશ્તૂન ભાષી વિસ્તારમાંથી આવ્યા હતા. મૃતકોમાં ત્રણ અને ઈજાગ્રસ્તોમાંથી ચાર લોકો અફઘાનિસ્તાન મૂળના હોવાનો ખુલાસો થયો છે. હાલ પૂરતુ તો કોઈપણ સંગઠન કે જૂથે આ હુમલાની જવાબદારી નથી લીધી. 

આતંકવાદી હુમલાઓમાં સતત વધારો

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આ વર્ષે આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં મૃત્યુની સંખ્યા વર્ષ-2023માં નોંધાયેલી સંખ્યાને વટાવી ગઈ છે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રીજા ક્વાર્ટરના રિપોર્ટ અનુસાર, વર્ષ-2023માં 1,523ની સરખામણીમાં વર્ષ-2024ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં મૃત્યુની સંખ્યા વધી ગઈ છે. 

બલૂચ બળવાખોરોના હુમલાઓ યથાવત્

પાકિસ્તાનમાં સતત સક્રિય એવા બલૂચ બળવાખોરોના જૂથોએ અગાઉ સીપીઈસી પ્રોજેક્ટને ટાર્ગેટ બનાવીને અનેક હુમલા કર્યા છે. પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી (BLA) પાકિસ્તાન સરકાર પર સ્થાનિક લોકોના ખર્ચે ઓઈલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનનું અન્યાયી રીતે શોષણ કરવાનો આરોપ લગાવી રહી છે, જોકે વહીવટીતંત્ર આ વાતને નકારે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કરાચીમાં પાકિસ્તાનના સૌથી વ્યસ્ત એરપોર્ટ નજીક એક ખતરો હતો. જેમાં બે ચીની નાગરિકોનાં મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે.

  • Follow us on: