ઈઝરાયલ છેલ્લા ઘણા સમયથી એકસાથે ઘણા મોરચે લડી રહ્યું છે. હમાસ, હિઝબુલ્લા અને ઈરાન સાથે ઈઝરાયલને લડવું પડી રહ્યું છે. આ દરમ્યાન મધ્ય ગાઝાની એક સ્કૂલમાં ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો છે. જેમાં બાળકો સહિત ઓછામાં ઓછા 40 લોકો મોતને ભેટયા છે. નુસરતમાં રવિવારે રાત્રે થયેલા આ હુમલામાં બે મહિલાઓનાં પણ મોત થયા છે. ગાઝામાં એક વર્ષથી ચાલી રહેલી લડાઈમાં લોકોને જુદાજુદા સ્થળો પર શરણ લેવાની નોબત આવી છે.
આ સ્કૂલમાં કેટલાક પેલેસ્ટાઈનીઓએ શરણ લીધેલી હતી. મૃતદેહોને નુસરતના અલ-અવદા હોસ્પિટલ અને દીર અલ બલાના અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલનો બોમ્બમારો અને ગાઝા પર તેના ગ્રાઉન્ડ એટેકમાં 42 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓ મોતને ભેટયા છે.
હુમલો રવિવારે થયો હતો
આ અગાઉ એક દિવસ પહેલા, મધ્ય ગાઝામાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 18 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. અન્ય હુમલામાં એક જ પરિવારનાં 8 લોકોના પણ મોત થયા હતા.
એક જ પરિવારનાં 8 લોકોનાં મોત થયા છે
મળતી માહિતી અનુસાર, ઈઝરાયલી દળોએ મધ્ય ગાઝામાં બુરેઝ શરણાર્થી કેમ્પ અને દેર અલ-બલાહની બહારના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. સરકારી અધિકારીના દાવા અનુસાર, ફાયરિંગમાં સાત લોકોનાં મોત થયા છે. તેને દેર અલ-બાલાહની અલ-અક્સા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન, સ્થાનિકોએ જણાવ્યું હતું કે અન્ય એક ઘટનામાં નુસીરત રેફ્યૂઝી કેમ્પમાં રહેણાક મકાન પર ઈઝરાયલના ગોળીબારમાં એક જ પરિવારનાં 8 લોકો માર્યા ગયા હતા. દરમિયાન, ગાઝાની સિવિલ ડિફેન્સ ઓથોરિટીએ જણાવ્યું હતું કે તેની ટીમોએ ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે અને જબાલિયાના ફલુજાહ વિસ્તારમાં ઘરોમાં ફસાયેલા અન્ય સાત લોકોને બચાવ્યા છે.
શું છે મામલો?
ઉલ્લેખનીય છે કે, હમાસે એક વર્ષ અગાઉ ઈઝરાયલ પર આતંકવાદી હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, 1200 ઈઝરાયલના નાગરિકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઈઝરાયલ હમાસ વિસ્તાર ગાઝા પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ હુમલાઓમાં ગાઝાના 42 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. આ સિવાય લાખો લોકો પોતાના ઘર છોડી ચુક્યા છે.