ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનના કરાચીમાં ડિપ્થેરિયાના કારણે 100થી વધુ બાળકોનાં મોત થયા છે. અને તેનું મુખ્ય કારણ ડિપ્થેરિયા એન્ટી-ટોક્સિન (DAT)ની ઉણપ છે. ડિપ્થેરિયા એક ગંભીર અને ચેપી રોગ છે, જેને રસીકરણની મદદથી અટકાવી શકાય છે. જો કે, કરાચી અને સિંધના અન્ય ભાગોમાં આ રોગ સામે જરૂરી એન્ટિટોક્સિન દવાઓની અછતને કારણે પરિસ્થિતિ વધુ ખતરનાક બની છે.
ગયા વર્ષે, પાકિસ્તાનના સિંધમાં ચેપી રોગોની હોસ્પિટલમાં ડિપ્થેરિયાના 140 કેસ નોંધાયા હતા, જેમાંથી 52 બાળકો બચી શક્યા ન હતા. આ વર્ષે 100થી વધુ બાળકો ડિપ્થેરિયાના કારણે મૃત્યુ પામ્યા છે. ચેપી રોગના નિષ્ણાતો કહે છે કે સમગ્ર સિંધમાં એન્ટિટોક્સિન દવા ઉપલબ્ધ નથી. એક બાળકની સારવાર માટે 0.25 મિલિયન પાકિસ્તાની રૂપિયા (આશરે 1.2 લાખ રૂપિયા)ની એન્ટિટોક્સિન દવાની જરૂર પડે છે.
ડિપ્થેરિયા શરીરના કયા ભાગોને અસર કરે છે?
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ડિપ્થેરિયા ગળા અને શ્વસન માર્ગને અસર કરે છે. તેના લક્ષણોમાં ગળામાં દુખાવો, તાવ, ગરદનની ગ્રંથીઓમાં સોજો અને નબળાઈનો સમાવેશ થાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો લગભગ 30 ટકા કેસોમાં ડિપ્થેરિયા જીવલેણ બની શકે છે. ખાસ કરીને નાના બાળકોને તેના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.
રસીકરણનો અભાવ
ખાસ કરીને બાળકોને થતા ડિપ્થેરિયાને રસી દ્વારા અટકાવી શકાય છે, પરંતુ તેના માટે સમયસર રસીકરણ અને બૂસ્ટર ડોઝની જરૂર છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાંથી મળતી માહિતી અનુસાર, ડિપ્થેરિયાના પ્રકોપને રોકવાનો એકમાત્ર રસ્તો સમયસર રસીકરણ છે. જો કે, પાકિસ્તાનમાં રસીકરણનું સ્તર ખૂબ જ ઓછું છે અને કોવિડ-19 રોગચાળાએ આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી છે. જેના કારણે નિયમિત રસીકરણ સેવા ખોરવાઈ ગઈ છે.
ડિપ્થેરિયાનો વિશ્વ આરોગ્ય સંસ્તાનો રિપોર્ટ
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, વર્ષ-2023માં, વિશ્વભરના માત્ર 84 ટકા બાળકોને ડિપ્થેરિયા રસીના ત્રણ ડોઝની ભલામણ કરવામાં આવી હશે. લગભગ 16 ટકા બાળકો કાં તો રસી વગરના છે અથવા તેમનું રસીકરણ અધૂરું છે. આ કવરેજ તમામ દેશો અને પ્રદેશોમાં વ્યાપકપણે બદલાય છે. કોવિડ-19 રોગચાળાએ રસીકરણ સેવાઓને વધુ અસર કરી છે, જેનાથી ડિપ્થેરિયા જેવા રોગોના ફેલાવાના જોખમમાં વધારો થયો છે.