શનિવારે હૈફાના દક્ષિણમાં સીઝેરિયામાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ખાનગી નિવાસસ્થાન નજીક એક ડ્રોન વિસ્ફોટ થયો હતો, જ્યારબાદ ઈઝરાયલે લેબનોન અને ગાઝા પર તેના હુમલાઓને વધુ તીવ્ર બનાવ્યા હતા. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, તેણે ઈઝરાયલના વડાપ્રધાનની હત્યાના પ્રયાસના જવાબમાં બેરૂતમાં હિઝબોલ્લાના હથિયારોની સુવિધાઓ અને ગાઝામાં "હમાસના ઠેકાણાઓ" પર હવાઈ હુમલા કર્યા હતા.
નેતન્યાહૂ અને તેમની પત્ની તે સમયે નિવાસસ્થાને હાજર ન હતા, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાને તેને "ઈરાનના સમર્થક હિઝબોલ્લા દ્વારા હત્યાનો પ્રયાસ" તરીકે બતાવ્યો અને તેને "ગંભીર ભૂલ" ગણાવી હતી.
ગાઝા અને લેબનોન પર ઈઝરાયલના હવાઈ હુમલા
ઈઝરાયલે હત્યાના પ્રયાસનો જવાબ આપતા ઉત્તરી ગાઝાના બીટ લાહિયા શહેરમાં અનેક મકાનો અને બહુમાળી ઈમારત પર હવાઈ હુમલો કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ હુમલામાં ડોક્ટરો સહિત ઓછામાં ઓછા 73 લોકોના મોત થયા છે. જો કે, ઈઝરાયલે આ આંકડાઓને "અતિશયોક્તિપૂર્ણ" ગણાવ્યા અને દાવો કર્યો કે હુમલો સચોટ હતો અને હમાસના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલ-હિઝબુલ્લાહ સંઘર્ષ
લેબનોનથી એક ડ્રોનને હૈફાથી લગભગ 20 કિલોમીટર દક્ષિણમાં સીઝેરિયામાં નેતન્યાહૂના ખાનગી નિવાસસ્થાન તરફ મોકલવામાં આવ્યું હતું. ઘટના સમયે નેતન્યાહૂ અને તેમની પત્ની ઘરે ન હતા, પરંતુ ઈઝરાયલે કહ્યું કે, હિઝબુલ્લાએ આ વિસ્તારને ઘણી વખત નિશાન બનાવ્યો છે. નેતન્યાહુએ કહ્યું કે. કોઈ પણ હુમલો તેમને "રોકી શકશે નહીં" અને ઈઝરાયલ આ યુદ્ધ જીતશે. આ હત્યાનો પ્રયાસ ઈઝરાયલે હમાસના નેતા યાહ્યા સિનવરની હત્યા કર્યાના થોડા દિવસો બાદ થયો હતો, જેને ઓક્ટોબર 7ના હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે.
અમેરિકાએ ઈઝરાયલને હુમલાઓ ઘટાડવાની અપીલ કરી
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને જણાવ્યું હતું કે, US ઇચ્છે છે કે ઈઝરાયલ બેરૂત પર તેના હુમલાઓ ઘટાડે કારણ કે નાગરિક જાનહાનિ "ખૂબ વધારે" થઈ ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે બન્ને બાજુના નાગરિકો તેમના ઘરે પાછા ફરે.
ગાઝા અને લેબનોનમાં જાનહાનિ વધી
ગાઝાની નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીમાં ઉત્તર ગાઝામાં 400થી વધુ લોકો મોત થયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 42,000થી વધુ ફિલિસ્તીનીઓની મોત થયા છે, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.
લેબનોનમાં 2,400થી વધુ લોકોના મોત
લેબનીઝના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2023થી લેબનોનમાં 2,400થી વધુ લોકોના મોત થયા છે. જેમાંથી મોટાભાગના લોકો છેલ્લા મહિનામાં મૃત્યુ પામ્યા છે. ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તરી ઈઝરાયલ અને કબજા હેઠળના ગોલાન હાઈટ્સમાં અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે.
ઈઝરાયલે ચેતવણી આપી
ઈઝરાયલે લેબનોનના ભાગોમાં લગભગ દરરોજ લોકોને ઈમારતો અને ગામો છોડવા ચેતવણી આપી છે. આ સંઘર્ષને કારણે લગભગ 4 લાખ બાળકો સહિત 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.