- દમિશ્ક વિસ્તારમાં હવાઈ સુરક્ષા સક્રિય કરી દેવાઈ
- ઈરાનમાં ગુસ્સો ઠેર-ઠેર રોષ ફાટી નીકળ્યો
- ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો
સીરિયાની રાજધાની દમિશ્ક એરપોર્ટ પર થયેલા ભીષણ હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડસના 11 કમાન્ડર માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, દમિશ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને હવાઈ હુમલો કરાયો હતો. આ હુમલો એ સમયે થયો જ્યારે ઈરાની કમાન્ડર પોતાના સિનિયર પ્રતિનિધિઓને મળવા એરપોર્ટ પર ગયા હતા. પૂર્વી સીરિયામાં રિવોલ્યુશનરી ગાર્ડસના કમાન્ડર નૂર રાશિદ પણ હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત થયાનો દાવો કરાયો છે. જો કે, આ રિપોર્ટને ઈરાને નકારી દીધો છે.
ઈરાની સૈન્યના પ્રવક્તાએ એવી ખબરોને ફગાવી દીધી જેમાં કહેવામાં આવ્યું હતું કે, દમિશ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ હુમલામાં 11 નેતા માર્યા ગયા છે. આવા દાવા પોકળ હોવાનું કહ્યું હતું. બીજી બાજું એવો દાવો કરાયો છે કે, બે જુદાજુદા હવાઈ હુમલામાં દક્ષિણી સીરિયા અને દમિશ્ક પાસે ટાર્ગેટ કરી હુમલો કરાયો હતો. આ દરમિયાન દમિશ્ક વિસ્તારમાં સીરિયાઈ હવાઈ સુરક્ષા સક્રિય કરી દેવામાં આવી છે.
તાજેતરમાં ઈરાનના સૈન્ય કમાન્ડરનું મોત
ઈરાનના સૈન્ય સલાહકાર સૈયદ રઝી મોસાવીનું થોડાક દિવસો અગાઉ સીરિયામાં એક ઈઝરાયલી હુમલામાં મોત થયું હતું. ઈરાની સૈન્ય કમાન્ડરના મોતને લઈ ઈરાનમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. આ અઠવાડિયામાં ઈરાને શપથ લીધા કે, ઈઝરાયલને આની ભારે કીંમત ચુકવવી પડશે. ઈરાની કમાન્ડર મોસાવીને પણ દમિશ્ક પાસે એક હુમલામાં ઠાર મરાયો હતો.
ઈરાને બદલો લેવા શપથ લીધા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ગાઝામાં જંગ શરૂ થયા પછી તણાવ વધતો જઈ રહ્યો છે. ઈઝરાયલનું કહેવું છે કે ઈરાન આતંકી સંગઠનોને પોષણ કરે છે. જે તેની વિરુદ્ધ લડી રહ્યા છે. ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે હમાસ, હિઝબુલ્લા અને હૂતી બળવાખોરોને ઈરાનમાં જ મદદ મળી રહી છે. જ્યારે ઈરાન તરફથી ઈઝરાયલ પર ગાઝામાં નરસંહારનો આરોપ મુકાયો છે.