મિડલ ઈસ્ટમાં અત્ચારે સ્થિતિ તણાવમાં છે. આનું કારણ હમાસ અને ઈઝરાયલ વચ્ચેનો છેલ્લા એક વર્ષથી સંઘર્ષ છે. ગત વર્ષે સાતમી ઑક્ટોબરે હમાસે ઈઝરાયલમાં કરેલા હુમલા પછી ઈઝરાયલ સતત હમાસ સાથે યુદ્ધમાં છે. આટલું ઓછું હોય તેમ ઈઝરાયલને હિઝબુલ્લા અને બીજા જૂથો સાથે પણ લડવાની નોબત આવી છે. હમાસ આતંકી સંગઠનના આકા એવા યાહ્યા સિનવારના મરતા પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેનો ચહેરો માસ્કથી ઢંકાયેલો છે. ધૂળ અને રાખથી ખરડાયેલો છે. જે ઈમારતમાં છે તે જર્જરિત છે અને તેને ઈઝરાયલી ડ્રોન પર ડંડો ફેંકી તેને તોડી પાડવાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. બાદમાં ઈઝરાયલી સૈન્યએ આખી ઈમારત ધ્વસ્ત કરીને સિનવારને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


   

હમાસ લીડર યાહ્યા સિનવાર છેલ્લા શ્વાસ સુધી ઈઝરાયલી સૈન્ય સાથે લડતો રહ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. ગાઝામાં સિનવાર અને તેના સાથીઓ સાથે ઈઝરાયલી સૈનિકોની અથડામણ થઈ હતી, જે બાદ યાહ્યા સિનવાર એક જર્જરિત ઈમારતમાં જઈને સંતાઈ રહે છે. તે ઈજાગ્રસ્ત લાગી રહ્યો છે. ધૂળ અને રાખથી આખી ઈમારતમાં સામાન વેરવિખેર સ્થિતિમાં જોવા મળે છે.

તેના ચહેરાની ઉપર માસ્ક છે. ઈમારતમાં યાહ્યા સિનવાર છે કે નહિ તેની સઘન તપાસ માટે ઈઝરાયલી સૈનિક ડ્રોન અંદર મોકલે છે. ડ્રોન અંદર જાય છે તો સિનવાર એક સોફા પર બેસી રહેલો દેખાય છે. ડ્રોન જોઈને યાહ્યા સિનવાર શાંત બેઠો રહે છે. થોડીવાર સ્થિર બેસી રહ્યા બાદ તે ડ્રોનની નજીક આવવાની વાટ જુએ છે.

 હમાસ નેતાનો છેલ્લો વીડિયો

ત્યારબાદ તે પોતાના જમણા હાથથી એક ડંડો ડ્રોન તરફ ફેંકે છે. એવું લાગી રહ્યું છે કે તેનો હાથ ઈજાગ્રસ્ત છે. કારણ કે, તેમાં કોઈ હલનચલન નથી જોવા મળતી. લાકડાનો ડંડો ડ્રોન તરફ આવે છે પરંતુ ડ્રોન ઓપરેટર ડ્રોનને બીજી દિશામાં લઈ જઈને ડંડાથી તેને બચાવી લે છે. ત્યારબાદ ડ્રોન ત્યાંથી હટી જાય છે. ફરી ઈઝરાયલી ફોર્સ ઈમારત પર ટેન્કથી ગોળા ફેંકે છે અને હમાસ ચીફ હણાઈ જાય છે. જેની પુષ્ટિ બાદમાં થાય છે.

ઈઝરાયલ છેલ્લા એક વર્ષથી દાવો કરી રહ્યો હતો કે, હમાસ ચીફ સિનવાર ટનલમાં બંધકોની સાથે સંતાઈને બેઠો છે. પરંતુ જ્યારે ઈઝરાયલી સૈન્યથી તેનો સામનો થયો ત્યારે એક ઈમારતમાં હતો. ઈજાગ્રસ્ત થયા પછી યાહ્યા સિનવાર ભાગીને બીજી ઈમારતમાં છુપાઈ ગયો હતો. તેને ઈઝરાયલી સૈન્યએ શોધવો શરૂ કર્યો હતો. એક ક્ષતિગ્રસ્ત ઈમારતના બીજા માળે સિનવાર બેઠો હતો. અને ડ્રોન જોઈને તેની પર ડંડો મારવા લાગ્યો હતો. 


Disclaimer:  સોશિયલ મીડિયા અને અન્ય રિપોર્ટના આધારે આ અહેવાલ તૈયાર કરાતો હોય છે, આમાં સંદેશ વીડિયો અંગે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી, તેમજ સંદેશને તેની સાથે કોઈ લેવા-દેવા નથી. 

  • Follow us on: