• ઈઝરાયેલી સેના દ્વારા ગાઝાના નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા સૂચના

  • હમાસ દ્વારા ગાઝામાં 120 થી વધુ નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા
  • એન્ટોનિયો ગુટેરેસની સામૂહિક સ્થળાંતર પર પુન:વિચાર કરવા ઈઝરાયેલને વિનંતી

ઇઝરાયેલી સૈનિકો દ્વારા તેમની ટેન્ક અને યુદ્ધસામગ્રી ગાઝા સરહદની નજીક તૈનાત કરવામાં આવી છે. સેનાએ હમાસ સામે ફૂલ ગ્રાઉન્ડ એટેકની તૈયારી પૂર્ણ કરી લીધી છે. ગાઝા બોર્ડરથી આવી રહેલી તસવીરોમાં ટેન્કોને ગાઝા પટ્ટી તરફ ગોળીબાર કરતી જોઈ શકાય છે. આ ઉપરાંત સૈનિકો હોવિત્ઝરમાં આર્ટિલરી શેલો લોડ કરતા જોવા મળે છે.

ગાઝાનાં નાગરિકોને દક્ષિણ ભાગમાં સ્થળાંતર કરવા સૂચના

દિવસની શરૂઆતમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે ઉત્તરી ગાઝા પટ્ટીના રહેવાસીઓને સવારે 10 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે ઇવેક્યુએશન કોરિડોરનો ઉપયોગ કરીને એન્ક્લેવના દક્ષિણ ભાગમાં સ્થળાંતર કરવા કહ્યું હતું. રહીશોને વધુમાં કહેવામાં આવ્યું હતું કે, "આશ્વાસન રાખો કે હમાસના નેતાઓએ પોતાની સંભાળ લીધી છે અને પ્રદેશમાં થઈ રહેલા હુમલાઓથી રક્ષણ મેળવી રહ્યા છે."

એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી પર "પુનઃવિચાર" કરવા કરી વિનંતી

જો કે યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલને તેની ચેતવણી પર "પુનઃવિચાર" કરવા વિનંતી કરી હતી. ગુટેરેસે ભારપૂર્વક જણાવ્યું હતું કે અત્યંત ટૂંકી સૂચના પર સામૂહિક સ્થળાંતરની આવી માંગ વિનાશક પરિણામો લાવી શકે છે.

ગાઝામાં 120 થી વધુ નાગરિકો બંધક

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે પુષ્ટિ કરી છે કે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા ગાઝામાં 120 થી વધુ નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલી સંરક્ષણ દળોએ શનિવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલામાં 1300 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ ઘાયલ થયા છે.

નાગરિકોની ઈમારતોમાં આતંકવાદીઓ

ઇઝરાયેલી એરફોર્સે કહ્યું છે કે ડિફેન્સ ફોર્સિસે ગાઝા પટ્ટીના રહેવાસીઓને ગાઝા પટ્ટીમાં સુરક્ષિત રાખવા માટે તેમને ખસેડવાનો પ્રયાસ ચાલુ રાખ્યા છે. આઈડીએફે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને નુકસાન ઘટાડવાના પ્રયાસમાં વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ગાઝાના રહેવાસીઓને કોલ મોકલવામાં આવ્યો હતો. આઈડીએફે કહ્યું હતું કે હમાસના આતંકવાદીઓ ગાઝા શહેરમાં આવેલી નાગરિક ઈમારતોમાં સ્થિત સુરંગોમાં છુપાયેલા છે.


  • Follow us on: