પાડોશી દેશ એવા નેપાળમાં અત્યારે સાંબેલાધાર વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ છે. છેલ્લા 48 કલાક વરસેલા વરસાદથી પૂરમાં નેપાળમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સેંકડો માર્ગો બંધ છે. હજાર મકાનો પૂરમાં તણાઈ ગયા છે. ઘણા પરિવારો બેઘર થયા છે. પૂરે મચાવેલા વિનાશથી ચાર હજાર કરતાં વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે, હજી સેંકડો લોકો ગુમ છે.
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ બુધવારે જણાવ્યું હતું કે હિમાલયના દેશમાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલન પછી ચાર હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના લીધે અત્યાર સુધીમાં 241 લોકોનાં જીવ લીધા છે અને હિમાલયના દેશમાં વિનાશ સર્જ્યો છે. તેમણે સ્વીકાર્યું કે શોધ અને બચાવ કામગીરીમાં સરકાર તરફથી વિલંબ થયો હતો. તેમણે કહ્યું કે અધિકારીઓએ પૂરની આફતમાંથી દેશભરમાં 4,331 લોકોને બચાવ્યા છે. વડાપ્રધાને સતત 48 કલાકના વરસાદ બાદ શનિવારે દેશમાં અચાનક સર્જાયેલી આપત્તિ બાદ કરવામાં આવી રહેલી શોધ અને બચાવ કામગીરીમાં રહેલી ખામીઓને દૂર કરવાની વાત કરી હતી.
મળતી માહિતી અનુસાર, નેપાળમાં સાંબેલાધાર વરસાદ અને પૂર અને વિનાશક ભૂસ્ખલનથી નેપાળને લગભગ 17 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે 241 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત ઓછામાં ઓછા 29 લોકો હજુ પણ ગુમ છે અને 126 લોકો ઘાયલ થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અનુસાર, છેલ્લા બે દિવસમાં વિદેશી ટ્રેકર્સ સહિત લગભગ 900 લોકોને હેલિકોપ્ટરની મદદથી અનેક પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે નેપાળ આર્મીના હેલિકોપ્ટર દ્વારા 683 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રવિવારે 425 લોકોને બચાવવામાં આવ્યા હતા અને સોમવારે 258 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.
ખાનગી હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી
મળતી માહિતી અનુસાર, નેપાળ આર્મી ઉપરાંત ખાનગી હેલિકોપ્ટર પણ ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ફસાયેલા વિદેશીઓને બચાવી રહ્યા છે. જો કે ખાનગી હેલિકોપ્ટર દ્વારા કેટલા લોકોને બચાવી લેવાયા હતા. ત્યાં કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ ઓપરેટરોએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં લગભગ 200 વિદેશી ટ્રેકર્સ અને કેટલાક નેપાળીઓને બહાર કાઢવામાં આવ્યા છે.
હજારો લોકો બેઘર થયા
ગુરુવારથી શરૂ થયેલા ભારે વરસાદથી રવિવાર સુધીમાં વરસાદ બાદ ઘણી નદીઓમાં ઘોડાપૂર આવતા ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેના કારણે હજારો લોકો બેઘર થઈ ગયા હતા. જો કે, રવિવારથી કાઠમંડુમાં હવામાનમાં સુધારો થયો, જેના કારણે આપત્તિગ્રસ્ત લોકોને થોડી રાહત મળી. ગુરુવારથી શનિવાર સુધીના અવિરત વરસાદે નેપાળમાં ભારે વિનાશ વેર્યો છે.
નેપાળમાં 20 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત
નેપાળની રાજધાની કાઠમંડુ ખીણમાં સૌથી વધુ નુકસાન થયું છે જ્યાં મૃત્યુઆંક 50થી વધુ થયો છે. નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસ સહિત 20 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓને શોધ અને બચાવ કામગીરીના તમામ પ્રયાસો માટે તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર અનેક આરોગ્ય કેન્દ્રોમાં કરવામાં આવી રહી છે.