પીએમ બાલેન શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે, નેપાળ બ્રિટિશ મધ્યસ્થી ઇચ્છતું નથી અને બંને દેશો વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવશે.
પીએમ બાલેન શાહની પ્રતિક્રિયા
નેપાળના પીએમ બાલેન શાહે ચિતવનમાં નેશનલ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના સંમેલનને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. પોતાની રાષ્ટ્રવાદી છબીને સુધારવાના પ્રયાસમાં, તેમણે અગાઉ એવા નિવેદનો આપ્યા હતા. જેના કારણે માત્ર ભારતમાં જ નહીં. પરંતુ તેમના પોતાના દેશમાં પણ ઘણો વિવાદ થયો હતો. હવે, તેઓ આ નિવેદનથી પાછળ હટી રહ્યા હોય તેવું લાગે છે. પદ સંભાળ્યા પછી, નેપાળના વડા પ્રધાન બાલેન શાહ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે.
બાલેન શાહના વલણ થયા નરમ
કાલાપાણી અને લિપુલેખ વિવાદ અંગે અમારી પાસે પુરાવા છે. મારો સીધો મતલબ એ હતો કે, જો બ્રિટિશ યુગના જૂના દસ્તાવેજોની જરૂર હોય, તો અમે તે રજૂ કરી શકીએ છીએ. અમે બ્રિટિશ મધ્યસ્થી ઇચ્છતા નથી. અમે સીધા અમારા પડોશીઓ સાથે વિવાદનો ઉકેલ લાવીશું. બાલેન શાહની ટિપ્પણીઓની નેપાળમાં ટીકા થઈ હતી. વિરોધ પક્ષો, વિદેશ નીતિ નિષ્ણાતો અને સરહદ નિષ્ણાતોએ તેમને ખોટા ગણાવ્યા હતા. ભારત સરકારે એ પણ સ્પષ્ટતા કરી કે સરહદ વિવાદમાં ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી.
વિવાદની પૃષ્ઠભૂમિ
ભારત અને નેપાળ વચ્ચેનો સરહદ વિવાદ દાયકાઓ જૂનો છે. મુખ્ય વિવાદ લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી પ્રદેશોનો છે. આ વિસ્તારો ભારતના વહીવટી નિયંત્રણ હેઠળ છે. પરંતુ નેપાળ તેમને પોતાના હોવાનો દાવો કરે છે. નેપાળનો આરોપ છે કે, ભારતે આ વિસ્તારો પર અતિક્રમણ કર્યું છે. જ્યારે ભારત કહે છે કે, આ વિસ્તારો ઐતિહાસિક રીતે તેના છે. બંને દેશોનું સત્તાવાર વલણ એ રહ્યુ છે કે, તમામ સરહદી મુદ્દાઓ દ્વિપક્ષીય વાતચીત અને પરસ્પર સમજણ દ્વારા ઉકેલવા જોઈએ અને કોઈ ત્રીજો દેશ તેમાં સામેલ ન થવો જોઈએ.
રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર મજબૂત વલણ
બાલેન શાહે આગ્રહ કર્યો કે કોઈએ તેમના રાષ્ટ્રવાદ પર શંકા ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે તેમની પાસે પુરાવા છે અને તેઓ તેમના પડોશીઓ સાથે ચર્ચા કરીને આ મામલો પોતે ઉકેલશે. કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેન શાહ તેમની સ્પષ્ટવક્તા છબી માટે જાણીતા છે. તેઓ ઘણીવાર રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર મજબૂત વલણ અપનાવે છે. પરંતુ આ વખતે તેમના નિવેદનથી નેપાળના સ્થાનિક રાજકારણ અને ભારત સાથેના સંબંધોમાં થોડો વિક્ષેપ પડ્યો. હવે, તેમના નવા નિવેદનને બંને દેશો વચ્ચેના તણાવને ઓછો કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Lucknowના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મારી છલાંગ













