ભારતના ટી બોર્ડ (Tea Board of India) દ્વારા અન્ય દેશોમાંથી આવતી ચાની ગુણવત્તા ચકાસવાના નિયમો કડક કરવામાં આવ્યા છે. આ નવા નિયમોની સીધી અસર નેપાળના ચા ઉદ્યોગ પર પડી છે. ભારતના આ કડક વલણના વિરોધમાં નેપાળના ચા ઉત્પાદકોએ ગુરુવાર, ૧૮ જૂનથી અનિશ્ચિત સમય માટે ચાનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. ભારતના આ આકરા પગલાથી નેપાળની ચા ફેક્ટરીઓમાં તાળા લાગી ગયા છે, કારણ કે નેપાળી ચા માટે ભારત સૌથી મોટું બજાર છે.


ભારતનો 100 ટકા તપાસનો આદેશ

રિપોર્ટ અનુસાર, ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ સી. મુરુગને જણાવ્યું છે કે ગ્રાહકોની સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોને જાળવી રાખવા માટે આ પગલું લેવાયું છે. હવે ભારતમાં આવતી તમામ ચાની ૧૦૦ ટકા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં નેપાળથી આવતી ચા પણ સામેલ છે. આ નિયમ સ્થાનિક વપરાશ ઉપરાંત બ્લેન્ડિંગ (મિશ્રણ) અને રી-એક્સપોર્ટ (ફરી નિકાસ) થતી ચા પર પણ સમાન રીતે લાગુ પડશે.

નેપાળના ચા ઉદ્યોગમાં હાહાકાર

ભારતના આ નિર્ણયથી નેપાળના કોશી પ્રાંતના ઇલામ જિલ્લા સહિતના ચા ઉત્પાદકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 'નેપાળ ટી પ્રોડ્યુસર્સ એસોસિએશન'ના જનરલ સેક્રેટરી શુક્ર દહાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દર વર્ષે નેપાળ આશરે ૫ અબજ નેપાળી રૂપિયાની ચા ભારત નિકાસ કરે છે. નવા નિયમો બાદ નિકાસ અટકી ગઈ છે. એસોસિએશને નેપાળ સરકારને અપીલ કરી છે કે તેઓ હવે ચાના વેચાણ માટે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા વૈકલ્પિક દેશો સાથે વાતચીત શરૂ કરે.

સરકાર રાજદ્વારી સ્તરે સક્રિય

આ ગંભીર મુદ્દો નેપાળની સંસદમાં પણ ગાજ્યો છે. નેપાળના કૃષિ, વન અને પર્યાવરણ મંત્રી ગીતા ચૌધરીએ જણાવ્યું છે કે સરકાર ચા નિકાસકારોની સમસ્યા ઉકેલવા માટે ટેકનિકલ અને રાજદ્વારી (ડિપ્લોમેટિક) સ્તરે ભારતીય પક્ષ સાથે વાતચીત કરી રહી છે. તેમણે દાવો કર્યો છે કે સરકારના પ્રયાસો સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં ઉકેલ આવી શકે છે.

આ પણ વાંચો:Saudi Arabiaના વર્ક વિઝા નિયમોમાં મોટો ફેરફાર,ભારતીય કામદારો પર શું થશે અસર? જાણો વિગત


  • Follow us on: