નેપાળ સરકારે રાજદ્વારી ઇતિહાસમાં એક અત્યંત પ્રશંસનીય અને અનોખો નિર્ણય લીધો છે. નેપાળના વિદેશ મંત્રાલયે વિવિધ દેશોમાં ખાલી પડેલા રાજદૂત (Ambassador) ના પદો માટે સામાન્ય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક અને લાયકાત આધારિત (મેરિટ બેઝ્ડ) બનાવવા માટે સરકારે સાત પાનાની સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિર્ણયથી વિદેશ સેવા (IFS) નો હિસ્સો ન હોય તેવા પ્રતિભાશાળી નાગરિકોને પણ દેશનું પ્રતિનિધિત્વ કરવાની સુવર્ણ તક મળશે.
રાજદૂત બનવા માટેની જરૂરી લાયકાત
સરકારના નિયમો મુજબ, અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ અને તે નેપાળનો નાગરિક હોવો અનિવાર્ય છે. ઉમેદવાર પાસે કોઈપણ પ્રકારની વિદેશી નાગરિકતા કે પરમેનન્ટ રેસિડન્સી (PR) હોવી જોઈએ નહીં. આ પદ માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન (સ્નાતક) નક્કી કરવામાં આવી છે, પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સંબંધો, રાજનીતિ વિજ્ઞાન, કાયદો, અર્થશાસ્ત્ર અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા વિષયો ભણેલા લોકોને વધુ મહત્વ મળશે. આ ઉપરાંત ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ સાફ હોવો જોઈએ અને ભ્રષ્ટાચાર કે નૈતિક અપરાધમાં સજા થયેલી ન હોવી જોઈએ. ઉમેદવારે અરજીમાં એ પણ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ આ પદ માટે શા માટે યોગ્ય છે અને જો તેમને તક મળશે તો તેઓ સંબંધિત દેશ સાથે નેપાળના વેપાર, કૂટનીતિ અને સાંસ્કૃતિક સંબંધોને કેવી રીતે મજબૂત કરશે.
4 વર્ષનો કાર્યકાળ અને 24 જગ્યાઓ ખાલી
નિમણૂક પામેલા રાજદૂતનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે અને આ પદ ગેઝેટેડ સ્પેશિયલ ક્લાસ સમાન ગણાશે. હાલમાં નેપાળના વિવિધ દેશોમાં 17 રાજદ્વારી પદો ખાલી છે, જે ઓગસ્ટ સુધીમાં વધીને 24 થઈ જશે. ભારત, ચીન, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઓમાન સહિતના દેશો તેમજ કેટલાક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં આ નિમણૂકો થવાની છે.
અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, નેગોસિએશન સ્કીલ્સ, તેમજ સંયુક્ત રાષ્ટ્ર (UN), સાર્ક (SAARC) અને બિમસ્ટેક (BIMSTEC) જેવી વૈશ્વિક સંસ્થાઓની સમજ ધરાવતા ઉમેદવારોને આ પસંદગી પ્રક્રિયામાં વધારાનો લાભ મળશે.
આ પણ વાંચો: Miyazaki Mango: યુપીના આઝમગઢમાં ઉગશે દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી કેરી