યુક્રેન દ્વારા મોસ્કો પાસે એકપક્ષીય યુદ્ધવિરામની માંગણી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન જ રશિયાએ કિવ પર ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 120 લોકો ઘાયલ થયા છે. યુક્રેનિયન અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, રશિયાએ મધ્યરાત્રિથી શરૂ થયેલા યુક્રેનના એકપક્ષીય યુદ્ધવિરામની અવગણના કરીને રાતભર ડઝનબંધ ડ્રોનથી હુમલા કર્યા હતા. બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે યુક્રેને પોતે જ પોતાના યુદ્ધવિરામનું પાલન કર્યું નથી. મંત્રાલયે જણાવ્યું કે મંગળવાર સાંજથી બુધવાર સવાર સુધીમાં રશિયન વિસ્તારો, ગેરકાયદેસર રીતે કબજે કરેલા ક્રિમિયા દ્વીપકલ્પ અને કાળા સમુદ્રની ઉપર 53 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.
ક્રિમિયા વિસ્તારમાં 5 લોકોના મોત
અહીં યુક્રેને પણ રશિયાના કબજા હેઠળના ક્રિમિયા શહેર પર મોટો હુમલો કર્યો હતો. રશિયા દ્વારા નિયુક્ત ગવર્નર સેર્ગેઈ અક્સિઓનોવે જણાવ્યું કે ક્રિમિયાના ઝાંકોઈ (Dzhankoi) શહેર પર યુક્રેનિયન ડ્રોન હુમલામાં પાંચ લોકોના મોત થયા છે. તેમણે મધ્યરાત્રિ પછી તરત જ જાનહાનિની માહિતી આપી હતી, પરંતુ હુમલા વિશે પોતે 90 મિનિટ પહેલા જ પોસ્ટ કરી દીધું હતું. મોસ્કો તરફથી એવા કોઈ સત્તાવાર સંકેત નહોતા કે તે કિવના યુદ્ધવિરામનું સન્માન કરશે. રશિયાના આક્રમણ બાદ યુદ્ધ હવે પાંચમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે, તેવામાં દુશ્મનાવટ અટકવાની આશા ઘણી ઓછી છે. છેલ્લા એક વર્ષથી અમેરિકાના નેતૃત્વમાં થઈ રહેલા રાજદ્વારી પ્રયાસો યુદ્ધ રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
રશિયાએ વરસાવી મિસાઇલો અને ડ્રોન
યુક્રેનના આંતરિક મંત્રી ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે મંગળવારે રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 27 લોકોના મોત થયા હતા અને 120 અન્ય લોકો ઘાયલ થયા હતા, જે તમામ સામાન્ય નાગરિકો હતા. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 15,000 થી વધુ નાગરિકો માર્યા ગયા છે. બંને પક્ષો લાંબા અંતરના હુમલાઓ ચાલુ રાખી રહ્યા છે. લગભગ 1,250 કિલોમીટર લાંબી ફ્રન્ટલાઈન પર રશિયાની વિશાળ સેના યુક્રેનના ડ્રોન-આધારિત મજબૂત સંરક્ષણ સામે ધીમી પણ ખર્ચાળ લડાઈ લડી રહી છે. યુક્રેનિયન પ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા દ્વારા આ સપ્તાહના અંતે બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી જર્મની પર વિજયની 81મી વર્ષગાંઠ નિમિત્તે બે દિવસના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. યુક્રેનિયન નેતાએ કહ્યું હતું કે યુદ્ધવિરામનું કોઈપણ ઉલ્લંઘન લશ્કરી જવાબી કાર્યવાહીને આમંત્રણ આપશે.
યુરોપમાં યુક્રેનના પગલાનું સ્વાગત
યુરોપિયન અધિકારીઓએ યુક્રેનના એકપક્ષીય યુદ્ધવિરામના પગલાને આવકાર્યું હતું અને તેને શાંતિ સમજૂતી માટે તૈયાર હોવાનો સદ્ભાવના સંકેત ગણાવ્યો હતો. યુક્રેનિયન વિદેશ મંત્રી આન્દ્રેઈ સિબિહાએ જણાવ્યું હતું કે રશિયન સેનાએ રાતભર 108 ડ્રોન અને ત્રણ મિસાઈલો છોડી હતી, જેના હુમલા બુધવાર સવાર સુધી ચાલુ રહ્યા હતા. સિબિહાએ X પર લખ્યું, "મોસ્કોએ ફરી એકવાર અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા સમર્થિત યુદ્ધવિરામની વાસ્તવિક અને ઉચિત અપીલને નજરઅંદાજ કરી દીધી છે." શુક્રવાર અને શનિવારે લડાઈ રોકવાનો રશિયાનો પ્રસ્તાવ યુદ્ધ દરમિયાન વિવિધ તહેવારોના પ્રસંગે નાના-નાના એકપક્ષીય યુદ્ધવિરામ જાહેર કરવાની જૂની રણનીતિનો હિસ્સો છે.
આ પણ વાંચો: India Vietnam:ભારત-વિયેતનામ સંબંધોમાં નવો વળાંક, PM મોદી અને તો લામ વચ્ચે 13 મોટા કરાર