રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અત્યારે સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પુતિનના જ એક સમયના કટ્ટર સમર્થક ઇલ્યા રેમેસલોએ દાવો કર્યો છે કે રશિયામાં અંદરખાને ભારે અસંતોષ છે અને આગામી એક વર્ષમાં સત્તા પરિવર્તન થઈ શકે છે. રેમેસલોના મતે, પુતિનના નજીકના લોકો જ હવે તેમની કાર્યશૈલીથી કંટાળી ગયા છે અને અંદરખાને તેમની નફરત કરી રહ્યા છે.


શાંત સત્તાપલટાની આગાહી

પત્રકાર ક્સેનિયા સોબચકને આપેલા ઇન્ટરવ્યુમાં રેમેસલોએ જણાવ્યું હતું કે, રશિયાની વર્તમાન આર્થિક અને સામાજિક સમસ્યાઓ માટે સીધા પુતિન જવાબદાર છે. તેમણે આગાહી કરી છે કે ૨૦૨૬ના અંત સુધીમાં અથવા ૨૦૨૭ની શરૂઆતમાં રશિયામાં મોટો રાજકીય બદલાવ આવશે. રસપ્રદ વાત એ છે કે, આ બદલાવ હિંસક નહીં હોય, પરંતુ ૧૯૫૩માં સ્ટાલિનના અવસાન બાદ જે રીતે શાંતિપૂર્ણ સત્તાપલટો થયો હતો, તેવો જ કંઈક માહોલ જોવા મળી શકે છે.

સંભવિત ૩ ઉત્તરાધિકારીઓના નામ

રેમેસલોએ પુતિનના સ્થાને સત્તા સંભાળી શકે તેવા ત્રણ સંભવિત નામો પણ આપ્યા છે:

૧. વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિન

૨. આર્થિક વિકાસ મંત્રી મેક્સિમ રેશેટનિકોવ

૩. પુતિનના પૂર્વ બોડીગાર્ડ એલેક્સી ડ્યુમિન

યુદ્ધ અને અર્થતંત્રની ખરાબ અસર

યુક્રેન સાથેના લાંબા યુદ્ધને કારણે રશિયામાં મોંઘવારી આસમાને પહોંચી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં ૧૮.૬% જેટલો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, આ યુદ્ધમાં અંદાજે ૧૨ લાખ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે અથવા ઘાયલ થયા છે. ઇન્ટરનેટ અને ફોન નેટવર્ક પરની સખ્તાઈને કારણે લોકો હવે વોકી-ટોકી અને કાગળના નકશા વાપરવા મજબૂર બન્યા છે. આ તમામ પરિબળો પુતિન વિરુદ્ધ જનતા અને નેતાઓમાં રોષ જન્માવી રહ્યા છે.

આ પણ વાંચો:Middle East News: કુવૈતથી બહેરીન સુધી..ખાડી દેશો શા માટે પોતાના જ લોકોની નાગરિકતા છીનવી રહ્યા છે?

  • Follow us on: