પશ્ચિમ એશિયા અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમ મુદ્દે સમજૂતી કરવા માટે માત્ર 10 થી 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે, તો બીજી તરફ ઈરાને રશિયા સાથે મળીને ઓમાનના અખાત અને ઉત્તરી હિંદ મહાસાગરમાં સઘન નૌકાદળ કવાયત શરૂ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે.
ઈરાન અને રશિયાની સેનાઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું
ટ્રમ્પના કડક વલણ અને "ખૂબ જ ખરાબ પરિણામો" ભોગવવાની ચેતવણી છતાં, ઈરાન અને રશિયાની સેનાઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ઈરાની લશ્કરી વેબસાઇટ મુજબ, આ કવાયતમાં હાઇજેક કરાયેલા જહાજોને છોડાવવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ઈરાનનું શક્તિશાળી 'અલ્વાન્ડ ડિસ્ટ્રોયર', મિસાઈલ યુદ્ધ જહાજો, હેલિકોપ્ટર અને રશિયાની સ્પેશિયલ ઓપરેશન ટીમો જોડાઈ હતી. આ કવાયતને અમેરિકા માટે સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.
હોર્મુઝની સંકડામણ અને તેલ સંકટ
નોંધનીય છે કે આ કવાયત એ જ સપ્તાહે થઈ રહી છે જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ હોર્મુઝની સામુદ્રધુનીમાં હિલચાલ તેજ કરી હતી. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગે પસાર થાય છે, જેને રોકવાની ઈરાનની ક્ષમતા વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી શકે છે. રશિયાની આમાં સામેલગીરી એ વાતનો સંકેત છે કે ઈરાન આ લડાઈમાં એકલું નથી.
ટ્રમ્પનું આક્રમક વલણ અને હુમલાની અટકળો
ડોનાલ્ડ ટ્રમ્પે હવામાં જ નહીં, પણ સમુદ્રમાં પણ ઘેરાબંધી શરૂ કરી દીધી છે. તેમણે યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ અને યુએસએસ અબ્રાહમ લિંકન જેવા વિશાળ વિમાનવાહક જહાજોને મધ્ય પૂર્વમાં તૈનાત કર્યા છે. લશ્કરી નિષ્ણાતોના મતે, જો 15 દિવસમાં કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો ઈરાનના પરમાણુ અને મિસાઈલ મથકો પર મર્યાદિત લશ્કરી હુમલા (Surgical Strike) થવાની શક્યતા ૯૦ ટકા જેટલી છે. હાલમાં ખાડીમાં જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, તે જોતા રાજદ્વારી માર્ગો બંધ થતા જણાય છે અને લશ્કરી ટકરાવની અણી પર આખું વિશ્વ આવી ગયું છે.
આ પણ વાંચોઃ Area 51 ના રહસ્યો ખુલશે? Trump નો એલિયન્સ અને UFO સંબંધિત ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાનો આદેશ