દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયા (Bolivia) અત્યારે ઇતિહાસના સૌથી ભયાનક આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. જે દેશ પાસે દુનિયાભરના દેશો જેના માટે લડે છે તેવો લિથિયમ, ચાંદી અને કુદરતી ગેસનો અખૂટ ખજાનો છે, ત્યાંની જનતા આજે રાશન, દવા અને રોજગાર માટે તડપી રહી છે. દેશમાં છેલ્લા 50 દિવસથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનો, ચક્કાજામ અને 40 વર્ષની રેકોર્ડતોડ મોંઘવારી વચ્ચે રાષ્ટ્રપતિ રોડ્રિગો પાઝે (Rodrigo Paz) સમગ્ર દેશમાં કટોકટી (State of Emergency) જાહેર કરી દીધી છે.
સેના અને પોલીસને બળપ્રયોગની છૂટ
રાષ્ટ્રપતિ રોડ્રિગો પાઝે દેશને સંબોધતા કડક શબ્દોમાં કહ્યું કે, હવે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે. પ્રદર્શનકારીઓએ આખા દેશને બંધક બનાવી દીધો છે, જેના કારણે લોકોને સપ્લાય, સારવાર અને શિક્ષણ નથી મળી રહ્યું. રસ્તાઓ ખાલી કરાવવા અને કાયદો-વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સેના અને પોલીસને કડક બળપ્રયોગ કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. નોંધનીય છે કે, બોલિવિયામાં બે દાયકા શાસન કરનાર ડાબેરી પક્ષની વિદાય બાદ માત્ર સાત મહિના પહેલા જ મધ્યવાદી વિચારધારા ધરાવતા પાઝ સત્તા પર આવ્યા હતા.
કેમ સળગી ઉઠ્યો આખો દેશ?
આ ભયાનક વિરોધ પ્રદર્શન પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે:
ઇંધણ સબસિડી નાબૂદી: આ વર્ષે મે મહિનામાં સરકારે સરકારી તિજોરીનો બોજ ઘટાડવા વર્ષો જૂની ઇંધણ સબસિડી અચાનક બંધ કરી દીધી, જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા.
ડોલરની ભારે અછત: બોલિવિયા પાસે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા માટે વિદેશી હૂંડિયામણ (ડોલર રિઝર્વ) સદંતર ખતમ થઈ ગયું છે.
કુદરતી ગેસની નિકાસમાં ઘટાડો: દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતા નેચરલ ગેસની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે.
આ કારણોસર પૂર્વ રાષ્ટ્રપતિ ઇવો મોરાલેસના સમર્થકો, મજૂર સંગઠનો અને ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
અમેરિકા સાથેની $1.5 બિલિયનની ડીલ પણ નિષ્ફળ:
આર્થિક કટોકટીમાંથી ઉગરવા માટે રાષ્ટ્રપતિ પાઝે અમેરિકા સાથે વર્ષ 2009થી ચાલી રહેલા તણાવને ભૂલીને $1.5 બિલિયન (આશરે 125 અબજ રૂપિયા) નો આર્થિક સહયોગ કરાર કર્યો હતો. પરંતુ આ મદદ જમીન પર પહોંચે તે પહેલા જ દેશ ગૃહયુદ્ધની સ્થિતિમાં આવી ગયો છે. ડાબેરી સંગઠનો આ ડીલને જનતા સાથે ધોકો ગણાવી રહ્યા છે. કુદરતી સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં, ખરાબ મેનેજમેન્ટ અને રાજકીય અસ્થિરતાએ આજે બોલિવિયાને બરબાદીના આરે લાવી દીધું છે.
આ પણ વાંચો:Pakistanની વૈશ્વિક સ્તરે ફરી થઈ ભારે બદનામી! અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઉડાવી ક્રૂર મજાક, જાણો શું છે વિવાદ