મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની સીધી અસર હવે ભારતીય પ્રવાસીઓના ખિસ્સા અને મુસાફરી યોજનાઓ પર પડી રહી છે. રવિવાર, 1 માર્ચના રોજ ભારતીય એરલાઈન્સની 350થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ના તાજેતરના ડેટા અનુસાર, ઉડ્ડયન ક્ષેત્રમાં આ મોટો વિક્ષેપ મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્રમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે થયો છે. જેને કારણે હવે 350 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
દિલ્હી-મુંબઈ એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત
ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે એક દિવસ પહેલા, 28 ફેબ્રુઆરીના રોજ 410 સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ આ આંતરરાષ્ટ્રીય કટોકટીનો ભોગ બની રહ્યા છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 100 ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી, જ્યારે મુંબઈ એરપોર્ટ પર 125 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ મુખ્ય ભારતીય એરપોર્ટને ઓપરેશનલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મંત્રાલય, એરલાઈન્સ અને એરપોર્ટ ઓપરેટરો સતત સંપર્કમાં છે. મુસાફરોની ભીડનું સંચાલન કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે એરપોર્ટ પર વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અણધારી ડાયવર્ઝનનું સરળ સંચાલન થાય.
વિદેશી ફ્લાઈટ્સ પણ બંધ
આ ઈમરજન્સી ફક્ત સ્થાનિક રૂટ પૂરતી મર્યાદિત નથી. ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ રવિવાર માટે 22 વધારાની આંતરરાષ્ટ્રીય સેવાઓ રદ કરી છે. આ સાથે મધ્ય પૂર્વ ઈમરજન્સીને કારણે એર ઈન્ડિયા દ્વારા રદ કરાયેલી કુલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યા હવે 50 પર પહોંચી ગઈ છે. એરલાઈને મધ્ય પૂર્વીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરીને પસંદગીની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સ્થગિતીકરણ 2 માર્ચ સુધી લંબાવ્યું છે.
એરલાઈનના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે પરિસ્થિતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કર્યા પછી આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે. સ્પાઈસજેટે 2 માર્ચ, 2026 સુધી ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે 33 ફ્લાઇટ્સ પણ રદ કરી છે. લુફ્થાન્સા અને અમીરાત જેવી વૈશ્વિક એરલાઇન્સે પણ કામગીરીને ગંભીર અસર કરી છે.
શું મળશે પેસેન્જરને રિફંડ?
અગાઉથી બુક કરાવેલી ટિકિટ અને તાત્કાલિક મુસાફરી કરનારા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આ મુશ્કેલ સમયમાં એરલાઇન્સે ગ્રાહકોને નાણાકીય નુકસાનથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા બંનેએ મધ્ય પૂર્વમાં અને ત્યાંથી મુસાફરી કરતા મુસાફરો માટે ટિકિટ ફરીથી શેડ્યૂલ કરવાનો અથવા કોઈ વધારાના ખર્ચ વિના સંપૂર્ણ રિફંડ મેળવવાનો વિકલ્પ જાહેર કર્યો છે. ઈન્ડિગોએ સ્પષ્ટતા કરી છે કે સંપૂર્ણ છૂટ 7 માર્ચ સુધી મુસાફરી માટે 28 ફેબ્રુઆરી અથવા તે પહેલાં બુક કરાયેલી ટિકિટો પર લાગુ થશે. બીજી તરફ, એર ઈન્ડિયાએ 28 ફેબ્રુઆરી સુધી કરવામાં આવેલી બુકિંગ (5 માર્ચ સુધી નિર્ધારિત મુસાફરી માટે) પર પણ આ જ લાભ લંબાવ્યો છે.
આ પણ વાંચો : Iran US Israel War: અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી મુસ્લિમ દેશોએ ઇરાનથી કેમ બનાવ્યુ અંતર?, જાણો