26 એપ્રિલ 1986માં તત્કાલીન સોવિયેત રશિયાના ચેર્નોબિલમાં (જે હાલ યુક્રેનમાં છે) માનવ ઇતિહાસની સૌથી મોટી પરમાણુ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટના કોઈ યુદ્ધનું પરિણામ નહોતી, પરંતુ એન્જિનિયરોની એક નાનકડી ભૂલ અને અજ્ઞાનતાનું પરિણામ હતી.
કેવી રીતે થઈ દુર્ઘટના?
25 એપ્રિલ, 1986ની રાત્રે ચેર્નોબિલના રિએક્ટર નંબર 4 પર એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. એન્જિનિયરો એ તપાસવા માંગતા હતા કે પાવર ફેલ્યોરની સ્થિતિમાં ટર્બાઈનથી વોટર પંપ ચલાવી શકાય કે નહીં. આ પ્રયોગ દરમિયાન સલામતીના તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા. પાવર રેગ્યુલેટીંગ સિસ્ટમ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવી હતી.
એન્જિનિયરોની એક નાનકડી ભૂલ
26 એપ્રિલની વહેલી સવારે 1:23 વાગ્યે, રિએક્ટરમાં ગરમી અચાનક વધી ગઈ. તેને કાબૂમાં લેવા માટે જ્યારે કંટ્રોલ રોડ્સ અંદર નાખવામાં આવ્યા, ત્યારે ગ્રેફાઈટના છેડાને કારણે ઉલટો પ્રતિક્રિયા વેગ પકડ્યો. પરિણામે એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેણે રિએક્ટરનું મજબૂત સ્ટીલ અને કોંક્રિટનું ઢાંકણું હવામાં ઉડાવી દીધું. આ એક રાસાયણિક વિસ્ફોટ હતો, જેણે વાતાવરણમાં 50 ટનથી વધુ કિરણોત્સર્ગી પદાર્થો ફેલાવી દીધા.
ભયાનક પરિણામો
આ દુર્ઘટનામાં તાત્કાલિક 32 લોકોના મોત થયા હતા, પરંતુ તેનાથી ફેલાયેલું રેડિયેશન હિરોશિમા-નાગાસાકી પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ કરતા અનેકગણું વધુ હતું. સ્વીડનના રેડિયેશન સ્ટેશનોએ જ્યારે ખતરો નોંધ્યો ત્યારે રશિયાએ આ અકસ્માત સ્વીકાર્યો હતો. રેડિયેશનના કારણે હજારો લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બન્યા અને લાખો એકર જમીન બિનઉપયોગી બની ગઈ. આજે પણ ચેર્નોબિલની આસપાસનો વિસ્તાર 'એક્સક્લુઝન ઝોન' તરીકે ઓળખાય છે, જ્યાં માનવ વસવાટ જોખમી છે.
આ પણ વાંચો: Washington:ટ્રમ્પ પર હુમલામાં શું ઈરાનનો હાથ છે? પત્રકારોના સવાલ પર રાષ્ટ્રપતિએ આપ્યો આ ચોંકાવનારો જવાબ