અમેરિકાના કડક આર્થિક પ્રતિબંધો છતાં ઇરાનની અર્થવ્યવસ્થા અત્યાર સુધી જે દેશના સહારે ટકી રહી હતી, તે ચીને પણ હવે ઇરાનનો સાથ છોડવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ચીનની સ્વતંત્ર ઓઇલ રિફાઇનરીઓએ ઇરાન પાસેથી કાચા તેલની ખરીદીમાં મોટો કાપ મૂક્યો છે. નિષ્ણાતોના મતે, ચીન દ્વારા તેલની ખરીદી ઘટાડવી એ ઇરાનના વૈશ્વિક તેલ વ્યાપાર માટે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક આંચકો સાબિત થવા જઈ રહ્યો છે.


અમેરિકાની દરિયાઈ નાકાબંધી અને ઘટતો સપ્લાય

બ્લૂમબર્ગના આંકડા અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં ઇરાનથી ચીનને થતી ક્રૂડ ઓઇલની સપ્લાય ૧૮ લાખ બેરલ પ્રતિદિન હતી, જે મે મહિનામાં ઘટીને માત્ર ૧.૬ લાખ બેરલ પ્રતિદિન રહી ગઈ છે. ઇરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ અમેરિકાએ કરેલી નૌકાસૈન્યની નાકાબંધી (Naval Blockade) આ ઘટાડાનું મુખ્ય કારણ છે. સામાન્ય રીતે મિડલ-ઈસ્ટના અન્ય દેશો 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) જળમાર્ગ દ્વારા પોતાનું તેલ બહાર મોકલી રહ્યા છે, પરંતુ કન્સલ્ટન્સી ફર્મ વોર્ટિક્સાના અહેવાલ મુજબ, આ મહિને ઇરાનનું એક પણ તેલ ટેન્કર આ માર્ગ પરથી પસાર થઈ શક્યું નથી.

ચીનની 'ટીપોટ રિફાઇનરીઓ' કેમ પાછી પાની કરી રહી છે?

ચીનની નાની અને સ્વતંત્ર ઓઇલ રિફાઇનરીઓ, જેને વૈશ્વિક બજારમાં 'ટીપોટ રિફાઇનરીઓ' (Teapot Refineries) કહેવામાં આવે છે, તે ઇરાનના કુલ તેલ નિકાસનો લગભગ ૯૦% હિસ્સો ખરીદે છે. પરંતુ હાલમાં આ રિફાઇનરીઓ ભારે આર્થિક નુકસાનનો સામનો કરી રહી છે. વળી, ચીન પાસે હવે રશિયા પાસેથી પણ સસ્તું તેલ મેળવવાનો વિકલ્પ હાજર છે. તાજેતરમાં અમેરિકાએ ચીનની મોટી રિફાઇનરી 'હેંગલી પેટ્રોકેમિકલ' પર પ્રતિબંધો લાદી દેતા અન્ય ચીની ખરીદદારો પણ સાવચેત થઈ ગયા છે. જ્યારે નફો પહેલેથી જ ઓછો હોય, ત્યારે અમેરિકા સામે આર્થિક જોખમ લેવા કોઈ તૈયાર નથી.

ઇરાન પર શું થઈ રહી છે અસર?

આ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે ઇરાનનું તેલ ઉત્પાદન છેલ્લા એક જ મહિનામાં ૧૯% જેટલું ગગડી ગયું છે. ગ્રાહકોને આકર્ષવા માટે ઇરાની તેલ વિક્રેતાઓએ કિંમતોમાં મોટો ઘટાડો કરવો પડી રહ્યો છે. જો કે, અગાઉ મોંઘા ભાવે તેલ વેચીને ઇરાને સારું એવું ભંડોળ ભેગું કર્યું હોવાથી તે હાલના ઝટકા સામે ટકી રહ્યું છે, પરંતુ જો ચીન લાંબો સમય આ ખરીદી બંધ રાખશે તો ઇરાન માટે દેશ ચલાવવો મુશ્કેલ બની જશે.

આ પણ વાંચો:US:ખાડી દેશો અંદરોઅંદર લડીને બરબાદ થયા અને અમેરિકા બની ગયું દુનિયાનું નવું ઓઇલ કિંગ!

  • Follow us on: