વૈશ્વિક રાજનીતિમાં એક જૂની કહેવત છે કે, 'જે ઉર્જા (energy) ને નિયંત્રિત કરે છે, તે જ આખી દુનિયા પર રાજ કરે છે.' આ જ રમત છેલ્લા ૫૦ વર્ષથી તેલના બજારમાં રમાઈ રહી છે. ૧૯૭૦ના દાયકામાં જે ક્રૂડ ઓઇલ માટે અમેરિકા તરસી રહ્યું હતું, આજે તે જ અમેરિકા દુનિયાનો સૌથી મોટો તેલ નિકાસકાર દેશ બની ગયો છે. બીજી તરફ, એક સમયે તેલને હથિયાર બનાવી દુનિયાને ડરાવનારા ખાડી દેશો (ઓપેક દેશો) આજે પોતે જ ચોતર્ફા સંકટો અને આંતરિક યુદ્ધોથી ઘેરાયેલા છે.
૧૯૭૩માં અમેરિકાની રણનીતિ બદલી
વાત ઓક્ટોબર ૧૯૭૩ની છે, જ્યારે આરબ અને ઇઝરાયેલ વચ્ચે 'યોમ કિપ્પુર યુદ્ધ' છેડાયું હતું. અમેરિકાએ ખુલ્લેઆમ ઇઝરાયેલને મદદ કરી, જેનાથી નારાજ થઈને આરબ દેશોએ અમેરિકાને તેલની સપ્લાય બંધ કરી દીધી. યુએસમાં તેલના ભાવ ચાર ગણા વધી ગયા અને અર્થતંત્ર હચમચી ગયું. આ ઘટના બાદ અમેરિકાએ મિડલ-ઈસ્ટ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક લાંબા ગાળાની 'સાયલન્ટ' રણનીતિ પર કામ શરૂ કર્યું, જેનું પરિણામ આજે આપણી સામે છે.
ખાડી દેશોનો આંતરિક વિખવાદ
અમેરિકાએ પોતાની જમીનની નીચે છુપાયેલી 'શેલ ખડકો'માંથી તેલ અને ગેસ નિકાળવા માટે અબજો ડોલર ખર્ચીને નવી ટેકનોલોજી વિકસાવી, જેને 'શેલ ક્રાંતિ' (Shale Revolution) કહેવામાં આવે છે. ૨૦૦૦ના દાયકાના અંત સુધીમાં આ ટેકનોલોજી સફળ થઈ અને અમેરિકાનું તેલ ઉત્પાદન રશિયા અને સાઉદી અરેબિયા કરતાં પણ વધી ગયું.
આ દરમિયાન, અમેરિકાની પડદા પાછળની નીતિઓના કારણે ખાડી દેશો અંદરોઅંદર લડતા રહ્યા. ઇરાન અને ઇરાક વચ્ચે ૮ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારબાદ અમેરિકાએ ઇરાક પર સૈન્ય કાર્યવાહી કરી તેનું ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ કર્યું અને ઇરાન પર પરમાણુ કાર્યક્રમના નામે કડક આર્થિક પ્રતિબંધો લાદી તેને વૈશ્વિક બજારમાંથી બહાર કરી દીધું. શિયા-સુન્ની વિવાદ અને સાઉદી અરેબિયાને સુરક્ષાનો ભરોસો આપીને અમેરિકાએ ઓપેક સંગઠનની એકતાને ક્યારેય મજબૂત થવા ન દીધી.
ભારત પર શું થઈ રહી છે અસર?
આજે જ્યારે મિડલ-ઇસ્ટમાં તણાવ ચરમસીમા પર છે અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (જ્યાંથી દુનિયાનું ૨૦% તેલ પસાર થાય છે) નો રૂટ પ્રભાવિત છે, ત્યારે અમેરિકા સૌથી વધુ નફો કમાઈ રહ્યું છે.
ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% તેલ આયાત કરે છે અને પરંપરાગત રીતે ઇરાક કે સાઉદી પર નિર્ભર રહ્યું છે. પરંતુ વર્તમાન સંકટને કારણે ભારતે હવે અમેરિકા અને રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે તેલ ખરીદવું પડી રહ્યું છે. અમેરિકાથી તેલ મંગાવવામાં અંતર ઘણું વધી જતું હોવાથી જહાજોનું ભાડું અને વીમાનો ખર્ચ વધ્યો છે, જેને કારણે તેલ ભારત પહોંચતા સુધીમાં મોંઘું થઈ રહ્યું છે, જે દેશની આર્થિક રફતારને ધીમી પાડી શકે છે.
આ પણ વાંચો:Italy Tourism:આ દેશના પ્રખ્યાત બીચ પર છતરી લગાવવા પર પ્રતિબંધ