બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવવાની ઘટનાઓ વચ્ચે હવે ભગવાન રામની પ્રતિમાના નિર્માણને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શુક્રવારે સાંજે બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ગલીઓ "જય શ્રી રામ" ના નારાઓથી ગુંજી ઉઠી હતી. રંગપુરમાં ભગવાન રામની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપનાના વિરોધ અને પ્રભુ શ્રીરામની છબીના અપમાનના વિરોધમાં હજારો હિન્દુઓએ ઢાકાના રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.


ઢાકા ન્યાયની માંગ સાથે પ્રદર્શન

મીડિયા અહેવાલો અનુસાર, ઇસ્લામિક કટ્ટરપંથીઓની દાદાગીરી સામે હિન્દુ સંગઠનો અને વિદ્યાર્થી નેતાઓ મોટી સંખ્યામાં શાહબાગ સ્ક્વેર પર એકઠા થયા હતા. 'બાંગ્લાદેશ જાતીય હિન્દુ મહાજોત' ની અપીલ પર આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય સંગ્રહાલય વિસ્તારથી લઈને રાષ્ટ્રીય પ્રેસ ક્લબ સુધી હાથમાં મશાલો લઈને વિશાળ કૂચ કાઢી હતી. નેશનલ પ્રેસ ક્લબની સામે લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે એક વિશાળ માનવ સાંકળ બનાવવામાં આવી હતી, જ્યારે અન્ય એક જૂથે ઢાકા રિપોર્ટર્સ યુનિટી બિલ્ડિંગ પાસે વિરોધ નોંધાવ્યો હતો.

કેવી રીતે શરૂ થયો સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત બાંગ્લાદેશના રંગપુર વિભાગના ઉત્તરી ગયાબંધા જિલ્લાના પલાશબારીથી થઈ હતી. અહીં હિન્દુ સમુદાય દ્વારા ભગવાન રામની ૮૧ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન હતું. જોકે, સ્થાનિક ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોએ આ નિર્માણ કાર્યનો વિરોધ કરીને ત્યાં નાકાબંધી કરી દીધી હતી. 'શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિ' ના જણાવ્યા અનુસાર, મંદિરના હોદ્દેદારો અને સ્થાનિક પ્રશાસનને કટ્ટરપંથીઓ તરફથી ખુલ્લેઆમ ધમકીઓ મળી રહી છે, જેના કારણે હાલ બાંધકામ અટકાવી દેવું પડ્યું છે. વિવાદ દરમિયાન ભગવાન રામની છબીનું અપમાન કરાતા હિન્દુઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

પોલીસની ઢીલી કામગીરીથી હિન્દુઓમાં ભારે રોષ

ઘટના અંગે સ્થાનિક પોલીસે ધમકીઓ આપનારાઓ વિરૂદ્ધ ગુનો તો દાખલ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી અને ડરનો માહોલ છે. ભગવાન શ્રી રામની પ્રતિમાનું સ્થાપન ના કરવા દેતા હિન્દુ સમુદાય નારાજ થયો. ઇસ્લામિક કટ્ટરપંથી દ્વારા કરાતી હેરાનગતિમાં પોલીસ દ્વારા કોઈ પગલા ના લેવામાં આવતો તેમની કામગીરી પર સવાલ ઉઠવા લાગ્યા છે.

સરકારને સુરક્ષાની અપીલ

સભાને સંબોધતા હિન્દુ સંગઠનોના નેતાઓએ પ્રભુ શ્રીરામના અપમાનની તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, "બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં લઘુમતીઓની ધાર્મિક લાગણીઓ પર વારંવાર થતા હુમલાઓ દેશના સાંપ્રદાયિક સૌહાર્દને નબળો પાડી રહ્યા છે. સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને હિન્દુ સમુદાયની સુરક્ષા અને તેમના બંધારણીય અધિકારો સુનિશ્ચિત કરવા જોઈએ."


આ પણ વાંચો : China Taiwan: ચીને તાઇવાનને ચારેય તરફથી ઘેર્યું, ગમે ત્યારે હુમલાની આશંકા

  • Follow us on: