બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટા પાયે હિંસા અને રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી 'અવામી લીગ'ના આગામી સ્થાપના દિવસને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રને હાઈ-એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. ગુપ્તચર અહેવાલો (ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ) અનુસાર, અવામી લીગના કાર્યકર્તાઓ દેશભરમાં મોટા પ્રદર્શનો, રેલીઓ અને તોફાનો કરીને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરી શકે છે.
23 જૂને સ્થાપના દિવસ પર હિંસાનો ડર
આગામી 23 જૂને અવામી લીગનો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દેશના અલગ-અલગ જિલ્લાઓ અને મુખ્ય શહેરોમાં સાર્વજનિક કાર્યક્રમો યોજવાની પેરવીમાં છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલા એક સ્પેશિયલ લેટરમાં જણાવવામાં આવ્યું છે કે, અવામી લીગના કાર્યકરો પોતાની ઓફિસો પર ઝંડા ફરકાવી શકે છે અને બેનરો સાથે સરઘસ કાઢી શકે છે. પોલીસને ડર છે કે આ કાર્યક્રમો દરમિયાન અન્ય વિપક્ષી રાજકીય પક્ષો, જેમ કે નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) અને વિદ્યાર્થી સંગઠનો સાથે તેમની સીધી હિંસક ટક્કર થઈ શકે છે.
સમગ્ર દેશમાં પોલીસ કડક નજર હેઠળ
સ્થિતિની ગંભીરતાને જોતા પોલીસ હેડક્વાર્ટરના ડીઆઈજી મોહમ્મદ કમરુલ અહસાને તમામ યુનિટોને ચોવીસ કલાક સતર્ક રહેવા આદેશ આપ્યો છે. જો પોલીસ અવામી લીગની ગતિવિધિઓને રોકવાનો પ્રયાસ કરશે તો કાર્યકરો વધુ ઉગ્ર બનીને વિરોધ પ્રદર્શન કરી શકે છે, જેનાથી તણાવ ચરમસીમાએ પહોંચી શકે છે. આથી ઢાકા સહિત તમામ મોટા મહાનગરોના પોલીસ કમિશનરો અને રેન્જ ડીઆઈજીને વિશેષ દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ઢાકામાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાથી ફફડાટ
છેલ્લા કેટલાક દિવસોમાં અવામી લીગ અને તેની સહયોગી સંસ્થા 'જુબો લીગ' દ્વારા અચાનક સરઘસ કાઢવાની અને પત્રિકાઓ વહેંચવાની ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ ઢાકાના મોહાખાલી વિસ્તારમાં અવામી લીગના એક જુલૂસ દરમિયાન કોકટેલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી છે.
ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (DMP) ના એડિશનલ કમિશનર એસ.એન. નઝરુલ ઇસ્લામે જણાવ્યું છે કે 23 જૂનના કાર્યક્રમોને જોતા રાજધાનીમાં સુરક્ષા લોખંડી કરી દેવાઈ છે. ઠેર-ઠેર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની તોડફોડ કે હિંસાને સમયસર રોકી શકાય.
આ પણ વાંચો:G7 Summitમાં ‘હું જ બોસ છું’ કહેવા પર ટ્રમ્પની સફાઈ, કહ્યું ‘હું તો બસ મજાક કરી રહ્યો હતો, લોકો સીરિયસ થઈ ગયા!’