શેરબજાર અને વાયદા બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 13% નો ઘટાડો જોવા મળ્યો અને તે પ્રતિ બેરલ $૯૫ ની આસપાસ પહોંચ્યો પરંતુ આ માત્ર આંકડાકીય રાહત છે.
વાયદા બજારની ક્ષણિક રાહત
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામે નાણાકીય બજારોમાં ભલે આશા જગાવી હોય, પરંતુ ક્રૂડ ઓઈલના વાસ્તવિક પુરવઠાની સ્થિતિ અત્યંત ગંભીર છે. કાગળ પરના સોદા (Futures Market) માં કિંમતો ઘટીને $95 સુધી પહોંચી ગઈ છે, પરંતુ જ્યારે રિફાઈનરીઓ ખરેખર તેલ ખરીદવા જાય છે ત્યારે તેમને પ્રતિ બેરલ $140 થી વધુની કિંમત ચૂકવવી પડી રહી છે. ઉત્તર સમુદ્ર જેવા મહત્વના બજારોમાં તેલ મેળવવા માટે વેપારીઓ વચ્ચે પડાપડી થઈ રહી છે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 40બિડમાંથી માત્ર 4 ને જ માલ મળી રહ્યો છે.
જહાજોની અવરજવરની મોટી અસર
વર્તમાન તેલ સંકટનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ દરમિયાન ખોરવાયેલો પરિવહન માર્ગ છે. યુદ્ધવિરામ ભલે થઈ ગયો, પણ જે ૪૦ દિવસ સુધી તેલના જહાજોની અવરજવર અટકી હતી, તેની સીધી અસર હવે બજારમાં વર્તાઈ રહી છે. વિશ્વ અત્યારે એ સમયગાળાના શૂન્યાવકાશનો સામનો કરી રહ્યું છે જ્યારે ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે ખોરવાયેલો હતો. આ અછતથી બચવા માટે ભારત, ચીન અને જાપાન જેવા દેશોએ હવે મધ્ય પૂર્વના ભરોસે રહેવાને બદલે અન્ય વિકલ્પો શોધવાની ફરજ પડી છે. ભારત વેનેઝુએલા પાસેથી બમણી ઝડપે તેલ મંગાવી રહ્યું છે, તો ચીન કેનેડા તરફ વળ્યું છે. આ દેશો હવે તેલની કિંમત કરતા પણ 'ઊર્જા સુરક્ષા' (Energy Security) ને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે, કારણ કે જો તેલનો પુરવઠો અટકે તો આખા દેશની અર્થવ્યવસ્થા થંભી જવાનો ડર છે.
રિફાઇનરીઓની લાચારી
ક્રૂડ ઓઈલની આ તીવ્ર અછત હવે રિફાઇનરીઓને ઉત્પાદન ઘટાડવા મજબૂર કરી રહી છે. યુરોપિયન રિફાઇનરીઓ માટે ઊંચા પ્રીમિયમ પર તેલ ખરીદવું આર્થિક રીતે પોસાય તેમ નથી, અને જો તેઓ તેલ શુદ્ધ કરવાનું ઓછું કરશે તો બજારમાં ડીઝલ અને જેટ ઈંધણની અછત સર્જાશે. આ ઇંધણોના ભાવ પહેલેથી જ $૨૦૦ પ્રતિ બેરલની રેકોર્ડ સપાટીએ છે, જે પરિવહન અને વિમાન સેવાઓને વધુ મોંઘી બનાવશે. બીજી તરફ, અમેરિકામાં પણ ગેસોલિનનો જથ્થો છેલ્લા 16 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. જો અમેરિકા પોતાની ઉર્જા જરૂરિયાતોને બદલે માત્ર નિકાસ પર ધ્યાન આપશે, તો ઘરઆંગણે પણ મોટું સંકટ ઊભું થઈ શકે છે.
આ પણ વાંચો : US-Iran Talks: શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં સાઉદીએ હોર્મુઝને સાઈડલાઈન કરી તેલનો નવો રસ્તો ખોલ્યો