પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે લાંબા સમયથી બંધ રહેલી સીધી હવાઈ સેવા અંતે ફરી શરૂ થઈ છે. લગભગ 14 વર્ષ બાદ બાંગ્લાદેશની રાષ્ટ્રીય એરલાઇન બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની પ્રથમ સીધી ફ્લાઇટ ઢાકાથી ઉડીને કરાચી પહોંચી હતી. આ ફ્લાઇટનું કરાચીના જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરંપરાગત વોટર કેનન સલામી
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) દ્વારા વિમાનના ઉતરાણ સમયે પરંપરાગત વોટર કેનન સલામી આપવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય હવાઈ ઉદ્યોગમાં વિશેષ સન્માન માનવામાં આવે છે. PAAએ આ ઘટનાને બંને દેશો વચ્ચેના સંબંધોમાં “નવો અધ્યાય” ગણાવ્યો છે.
રાત્રે 8:15 વાગ્યે ઢાકાથી રવાના
FlightRadar24 મુજબ, વિમાન બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટ BG341 રાત્રે 8:15 વાગ્યે ઢાકાથી રવાના થઈ હતી અને રાત્રે 11:03 વાગ્યે કરાચી એરપોર્ટ પર સફળતાપૂર્વક ઉતરી હતી. ખાસ વાત એ છે કે આ ફ્લાઇટ સંપૂર્ણપણે મુસાફરોથી ભરેલી હતી.
સહયોગ હવે માત્ર હવાઈ સેવાઓ
સિંધ પ્રાંતના ગવર્નર કામરાન ટેસોરીએ આ અવસરે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેનો સહયોગ હવે માત્ર હવાઈ સેવાઓ સુધી સીમિત નહીં રહે, પરંતુ વેપાર, પ્રવાસન અને અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરશે. તેમણે જણાવ્યું, “ઘણા વર્ષો બાદ કાવતરાઓનો અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે.” ટેસોરીએ ભારત પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વિભાજન સર્જવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવામાં ભારતની ભૂમિકા છે અને બાંગ્લાદેશ સામે પણ કાવતરાં રચવામાં આવી રહ્યા છે.
હાઈ કમિશને પણ એક નિવેદન
આ તરફ, ઢાકામાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશને પણ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે આ પહેલી ફ્લાઇટને બાંગ્લાદેશના નાગરિક ઉડ્ડયન અને પર્યટન સલાહકાર શેખ બશીરુદ્દીન, પાકિસ્તાનના હાઈ કમિશનર ઈમરાન હૈદર સહિતના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી.
ભારત સાથેના સંબંધોમાં સતત તણાવ
ભારત સાથેના સંબંધોમાં સતત તણાવ વચ્ચે, બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા તરફ આગળ વધી રહ્યું છે. સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થવાથી લોકો-થી-લોકો સંપર્ક, વેપાર અને કૂટનીતિક સંબંધોમાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : America-ઈરાન તણાવ વચ્ચે ક્યુબા કેમ બન્યું ટ્રમ્પનું નવું ટાર્ગેટ?