અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને બંધ કરાવવાનો દાવો કરી રહ્યા છે, પછી તે તેમનો મિડલ ઈસ્ટનો પ્રવાસ હોય કે પછી નાટો સમિટ માટે નેધરલેન્ડનો પ્રવાસ હોય. ટ્રમ્પ આ દાવા માટે કોઈ તક છોડતા નથી. હાલમાં તે નાટો શિખર સંમેલન માટે નેધરલેન્ડની રાજધાની હેગમાં હતા, જ્યાં એક પત્રકાર પરિષદમાં તેમને દાવો કર્યો કે તેમના ફોન કોલથી બંને દેશોએ શાંતિ સ્થાપિત કરી.
અમેરિકી હુમલા બાદ જ ઈઝરાયેલ-ઈરાનની વચ્ચે શાંતિ સ્થાપિત થઈ: ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની જંગ અટકાવવાને લઈ વાત કરી રહ્યા હતા. તેમને હિરોશિમા અને નાગાશાકીનું ઉદાહરણ આપ્યું. જ્યાં અમેરિકાએ પરમાણુ બોમ્બ છોડ્યા બાદ કાયમ માટે શાંતિ થઈ હતી. ત્યારે જાપાન-અમેરિકાની વચ્ચે ભીષણ જંગ ચાલી રહી હતી. ટ્રમ્પના કહેવા મુજબ અમેરિકી હુમલા બાદ જ ઈઝરાયેલ-ઈરાનની વચ્ચે શાંતિ સ્થાપિત થઈ, સાથે જ કહ્યું કે તેમના કારણે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટક્યું.
મેં વડાપ્રધાન મોદીને સમજાવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ વાત છે ભારત અને પાકિસ્તાનની. મેં જ્યારે વેપાર પર ફોન કોલની એક સિરિઝની સાથે યુદ્ધને સમાપ્ત કરી દીધું. મેં કહ્યું કે જો તમે એકબીજા સાથે લડવા જઈ રહ્યા છો તો અમે કોઈ વેપાર કરાર નહીં કરીએ. ગયા અઠવાડિયે પાકિસ્તાનના જનરલ મારા કાર્યાલયમાં આવ્યા હતા. ટ્રમ્પે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદી મારા સારા મિત્ર છે. તે એક મહાન સજ્જન વ્યક્તિ છે, મેં તેમને સમજાવ્યા અને કહ્યું કે જો તમે લડવા જઈ રહ્યા છો તો અમે વેપાર કરાર નહીં કરીએ. તેમને કહ્યું કે ના અમે વેપાર કરાર કરવા ઈચ્છીએ છીએ. અમે પરમાણુ યુદ્ધ રોકી દીધું.