અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 6 વર્ષ પછી જાપાન પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે ટોક્યોના શાહી મહેલમાં જાપાની સમ્રાટ નારુહિતો સાથે મુલાકાત કરી. ટ્રમ્પે 2019માં સમ્રાટ નારુહિતો સાથે પણ મુલાકાત કરી હતી, તે આવું કરનાર પ્રથમ વિદેશી નેતા છે. જોકે, જાપાનમાં સમ્રાટનું સ્થાન પ્રતીકાત્મક છે. વાસ્તવિક વાતચીત મંગળવારે જાપાની વડાપ્રધાન સના તાકાચી સાથે થશે.
આ પ્રવાસમાં ટ્રમ્પની સાથે કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક, ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટ અને સ્ટેટ સચિવ માર્કો રુબિયો પણ હાજર છે. ટ્રમ્પ અને તાકાચીની મુલાકાત અકાસાકા પેલેસમાં થશે, જ્યાં તેઓ શિપબિલ્ડિંગ રોકાણ અને વેપાર કરારો પર ચર્ચા કરશે. ટ્રમ્પની મુલાકાત માટે જાપાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ટોક્યોમાં હજારો પોલીસ તૈનાત છે.
ટ્રમ્પની મુલાકાતનો હેતુ શું છે?
ટ્રમ્પની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એશિયન દેશો સાથે વેપાર કરારો, રોકાણો અને સહયોગને મજબૂત બનાવવાનો છે. ટ્રમ્પે જાપાન પાસેથી પહેલાથી જ $550 બિલિયનનું રોકાણ મેળવી લીધું છે, જેના બદલામાં જાપાની માલ પર યુએસ ટેરિફ હળવા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન તકાઈચી ટ્રમ્પને પ્રભાવિત કરવા માટે યુએસ પિકઅપ ટ્રક, સોયાબીન અને ગેસ ખરીદવાનું વચન આપી રહ્યા છે. શિપબિલ્ડિંગમાં રોકાણ કરાર પર પણ ચર્ચા કરવામાં આવશે.
ટ્રમ્પ 5 દિવસના એશિયાના પ્રવાસ પર
ટ્રમ્પની જાપાન મુલાકાત 5 દિવસના એશિયા પ્રવાસનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વેપાર યુદ્ધમાં શાંતિ કરાર પર પહોંચવાનો છે. આ પહેલા ટ્રમ્પે મલેશિયામાં 4 દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. તેઓ આખરે દક્ષિણ કોરિયામાં શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. રવિવારે, યુએસ અને ચીની વાટાઘાટકારોએ સંભવિત કરારની રૂપરેખા આપી, જેમાં યુએસ ટેરિફ પર પ્રતિબંધ અને ચીન દ્વારા રેયર અર્થ નિકાસ નિયંત્રણોમાં વધારો શામેલ છે. આ સમાચારથી એશિયન શેરબજારોમાં તેજી આવી ગઈ.