અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદાસ્પદ નિવેદનો અને નિર્ણયો બંને માટે આખા વિશ્વમાં ખુબજ જાણીતા છે. કોઈપણ દેશની અંગત બાબતોમાં ઝંપલાવીને આત્મસંતોષની ખીર ખાવાનો ચસ્કો જે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો છે એની ખરેખર વાત થાય એમ નથી. ત્યારે હવે ફરીવાર ડોનાલ્ડ ટ્રમ્પ એક બિલને લઈને ચર્ચામાં આવ્યા છે.
અમેરિકનો પર કરોડોનું દેવું
જગત જમાદારનો દંડો લઈને ફરતા અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પ હાલ અમેરિકાની ખસ્તા હાલતને જાણી જોઈને અવગણી રહ્યા હોય એવું લાગે છે. કારણ એ છે કે એક રિપોર્ટ મુજબ અમેરિકામાં વસતા દરેક પરિવાર પર અંદાજીત 1.96 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. હાલત તો ત્યાં સુધી ખરાબ થઈ છે કે અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું દેશના કુલ GDPના લગભગ 100 ટકા જેટલું વધી ગયું છે મતલબકે આ અમેરિકાનું આ દેવું સરકારની વાર્ષિક આવક કરતા લગભગ 6 ગણું વધારે છે.
અમેરિકાની તિજોરી પર બિલ કરશે અસર
યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મત મુજબ તેમનું આ બિગ બ્યુટીફુલ બિલ અમેરિકાના ઇતિહાસનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનીને ઉભરશે, પરંતુ વિવેચકો આ બિલ અંગે એક અંદાજ એવો પણ લગાવી રહ્યા છે કે આ બિલ પસાર થયા પછી અમેરિકાની તિજોરી પર લગભગ 3.4 ટ્રિલિયનનો બોજો પડશે અને જો આમ થાય છે તો અમેરિકાની રાજકોષીય ખાધ ખુબજ વધશે અને તેનાથી અમેરિકાના લોકો પર આર્થિક રીતે ખુબજ બોજો વધશે.
પ્રતિ પરિવાર લગભગ 2 લાખ 30 હજાર ડોલર નો બોજ
કોઈ પણ રાજય કે દેશ તેના લોકો માટે કોઈ ખરડો , કાયદો કે બિલ ત્યારે લાવે છે જ્યારે લોકો માટે એનું પાલન કરવાની સ્થિતિ એકદમ અનુકૂળ હોય લોકોની જીવનશૈલી સારી સ્થિતિમાં હોય. પરંતુ અમેરિકામાં હાલ પરિસ્થિતિ એ હદની ખરાબ છે કે સરેરાશ દેવાનો બોજ પ્રતિ પરિવાર લગભગ 2 લાખ 30 હજાર ડોલર સુધી પહોંચી ગયો છે મતલબ કે અમેરિકનો પર અંદાજીત 1.96 કરોડ રૂપિયાનું દેવું છે. આવી સ્થિતિમાં અનુભવી રોકાણકારો ટ્રમ્પના આ બિગ બ્યુટીફુલ બિલને અમેરિકનો માટે બસ એક બિગ બોજ સમાન માની રહ્યા છે.