અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે અમેરિકા અને ઈટાલી વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ પેદા થયો છે. ફ્રાન્સમાં યોજાયેલી તાજેતરની G7 સમિટ અંગે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે વિનંતીઓ કરી રહ્યા હતા. ટ્રમ્પના આ દાવા બાદ ઈટાલીમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ વિરોધ સ્વરૂપે પોતાનો આગામી અમેરિકા પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે.


ટ્રમ્પનો દાવો અને ટીવી ઈન્ટરવ્યુનો વિવાદ

આ સમગ્ર વિવાદની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પના એક ટેલિવિઝન ઈન્ટરવ્યુથી થઈ હતી. ઈન્ટરવ્યુ દરમિયાન યુક્રેન યુદ્ધ સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતી વખતે ટ્રમ્પે G7 સમિટનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે મેલોની તેમની સાથે તસવીર ખેંચાવવા માટે આતુર હતા અને તેમણે આ માટે આગ્રહ કર્યો હતો. ટ્રમ્પની આ ટિપ્પણીને ઈટાલી સરકારે ગંભીર અને અપમાનજનક ગણાવી છે. વિદેશ મંત્રી તાજાનીએ સ્પષ્ટ કર્યું કે આ ટિપ્પણી માત્ર પીએમ મેલોનીનું જ નહીં પરંતુ સમગ્ર ઈટાલીનું અપમાન છે, જેના કારણે તેઓ વીકેન્ડમાં યોજાનારો અમેરિકાનો પ્રવાસ રદ કરી રહ્યા છે.

મેલોનીનો જડબાતોડ જવાબ: 'અમે ભીખ નથી માંગતા'

ટ્રમ્પના દાવા પર પલટવાર કરતા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ આરોપોને સંપૂર્ણપણે મનઘડંત અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું, "મને સમજાતું નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના સહયોગી દેશોના નેતાઓ વિશે આવી વાતો કેમ કરે છે? ઈટાલી અને હું ક્યારેય કોઈની સામે ઝૂકતા નથી કે ભીખ નથી માંગતા." ઈટાલીના સંરક્ષણ મંત્રી ગુઈડો ક્રોસેટોએ પણ મેલોનીના સમર્થનમાં કહ્યું કે તેઓ ક્યારેય ફોટો માટે વિનંતી કરે તેવા નેતા નથી.

અમેરિકા-ઈટાલી સંબંધોમાં ખટાશ

જ્યોર્જિયા મેલોનીને લાંબા સમયથી અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોની મજબૂત કડી માનવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી યુક્રેન, ઈરાન, ગાઝા સંઘર્ષ અને અમેરિકાની ટેરિફ નીતિઓ જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે મતભેદો સપાટી પર આવ્યા છે. આ તાજા વિવાદે બંને લોકશાહી દેશો વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી ખટાશને ફરી એકવાર દુનિયાની સામે લાવી દીધી છે.

  • Follow us on: