ઈરાનમાં પ્રદર્શનકારીઓ પર થયેલા હિંસક કાર્યવાહીના જવાબમાં યુરોપિયન યુનિયન (EU) એ એક મોટું પગલું ભર્યું છે. EUએ ગૃહપ્રધાન એસ્કંદર મોમેની, પ્રોસીક્યુટર જનરલ મોહમ્મદ મોવાહેદી આઝાદ અને ન્યાયાધીશ ઈમાન અફશારી સહિત 15 ઈરાની અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. EUનું કહેવું છે કે આ અધિકારીઓ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની હિંસક કાર્યવાહી અને મનસ્વી ધરપકડમાં સામેલ હતા.
6 ઈરાની સંસ્થાઓ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા
આ 15 અધિકારીઓમાં ઈરાનના શક્તિશાળી અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના અનેક વરિષ્ઠ કમાન્ડરો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. 6 ઈરાની સંસ્થાઓ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેમાં ઈરાનમાં ઈન્ટરનેટ અને ઓનલાઈન કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. 27 EU દેશોએ સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે. ઈરાનમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન અત્યાર સુધીમાં 6,300થી વધુ લોકોના મોત થયા છે.
અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી હાજરી વધારી
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી હાજરી વધારી દીધી છે. યુએસ નેવીએ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ યુએસએસ અબ્રાહમ લિંકન અને અનેક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરને આ ક્ષેત્રમાં તૈનાત કર્યા છે. જોકે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી ઈરાન પર હુમલા અંગે અંતિમ નિર્ણય લીધો નથી.
બીજી તરફ ઈરાને પણ કડક વલણ અપનાવ્યું છે. તેણે ચેતવણી આપી છે કે જો હુમલો કરવામાં આવશે તો તે મધ્ય પૂર્વ અને ઈઝરાયલમાં યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવી શકે છે. ઈરાને આગામી સપ્તાહે હોર્મુઝ સ્ટ્રેટમાં લાઈવ ફાયરિંગ સાથે લશ્કરી કવાયતની પણ જાહેરાત કરી છે, જે વિશ્વના લગભગ 20% તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે.
IRGCને આતંકવાદી સંગઠન જાહેર કરાયું
EU વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે જાહેરાત કરી કે રિવોલ્યુશનરી ગાર્ડ્સને EUના આતંકવાદી સંગઠનોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જે સંગઠનો આતંકવાદ સાથે સુસંગત રીતે કાર્ય કરે છે તેમને આતંકવાદી ગણવામાં આવે. ફ્રાન્સે અગાઉ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તેનું સમર્થન કર્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સે 2019માં રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યા હતા.
આ પણ વાંચો : World News: ગુપ્ત રીતે કરાયુ Imran Khanના આંખોનુ ઓપરેશન, ત્રણ કલાક સુધી કરાઇ સર્જરી