યુરોપ હાલમાં રેકોર્ડબ્રેક ગરમીની ઝપેટમાં છે. અનેક દેશોમાં હીટવેવ જીવલેણ સાબિત થઈ રહી છે. ફ્રાન્સમાં છેલ્લા 10 દિવસ દરમિયાન ભારે ગરમીના કારણે 1,000થી વધુ લોકોના મોત થયા હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે. મૃતકોમાં મોટાભાગના 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોનો સમાવેશ થાય છે.
ભારે ગરમીને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી
ફ્રાન્સ સહિત પશ્ચિમ યુરોપના ઘણા વિસ્તારોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. કેટલાક વિસ્તારોમાં તો 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાયું હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે. ભારે ગરમીને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
સ્પેનમાં પણ છેલ્લા 10 દિવસમાં 327 લોકોના મોત
પેરિસ અને આસપાસના વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓને સામાન્ય દિવસોની સરખામણીએ ઘણાં વધુ કોલ મળ્યા છે. પેરિસની જાહેર હોસ્પિટલોએ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી પ્લાન અમલમાં મૂક્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ હીટવેવને લઈને ચેતવણી જાહેર કરી છે અને ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને એકલા રહેતા લોકોની વિશેષ કાળજી રાખવા અપીલ કરી છે.
અલ નીનોની અસર જવાબદાર
હીટવેવની અસર ફક્ત ફ્રાન્સ પૂરતી મર્યાદિત નથી. જર્મની, બ્રિટન, સ્વિટ્ઝર્લૅન્ડ, ડેનમાર્ક અને ચેક રિપબ્લિક સહિત અનેક દેશોમાં જૂન મહિનાના તાપમાનના નવા રેકોર્ડ નોંધાયા છે. સ્પેનમાં પણ છેલ્લા 10 દિવસમાં 327 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ અસામાન્ય ગરમી પાછળ આબોહવા પરિવર્તન અને અલ નીનોની અસર જવાબદાર હોઈ શકે છે. આગામી મહિનાઓમાં પણ વિશ્વના અનેક વિસ્તારોમાં વધુ તીવ્ર હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : World News: ટ્રમ્પને 'લૂઝર' કહીને સ્ટેજ પરથી ઉતરવાનો રસ્તો ભૂલ્યા જો બિડેન, સ્વાસ્થ્ય અંગે ફરી ઉઠ્યા સવાલ