યુરોપમાં વસવાટ (ઇમિગ્રેશન) અને ઇસ્લામીકરણને લઈને ચાલી રહેલી ભારે ચર્ચા વચ્ચે હવે ડેનમાર્ક સરકારે એક બહુ મોટું પગલું ભરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ડેનમાર્ક સરકાર દેશની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર આપવામાં આવતી અઝાન પર કાનૂની પ્રતિબંધ લગાવવાની શક્યતાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સરકારનું કહેવું છે કે દેશની સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક વાતાવરણને જાળવી રાખવા માટે આ નિર્ણય જરૂરી છે.
'ડેનમાર્ક ઇસ્લામાબાદ જેવું ન લાગવું જોઈએ'
ડેનમાર્કના ઇમિગ્રેશન બાબતોના મંત્રી મોર્ટન બોડસ્કોવે આ અંગે એક સ્થાનિક સમાચાર એજન્સી સાથે વાતચીત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અઝાનનો અવાજ ડેનમાર્કની ઓળખનો હિસ્સો નથી. લોકોને એવું ન લાગવું જોઈએ કે તેઓ કોઈ યુરોપિયન શહેરના બદલે પાકિસ્તાનના ઇસ્લામાબાદ જેવા કોઈ શહેરમાં આવી ગયા છે." તેમણે ઉમેર્યું કે ડેનમાર્કના આકાશમાં અઝાનનો અવાજ ગૂંજવો જોઈએ નહીં. હાલ સરકાર આ મામલે કાનૂની સમીક્ષા કરી રહી છે કે શું આવો પ્રતિબંધ દેશના બંધારણના દાયરામાં રહીને લગાવી શકાય કે નહીં.
સરકાર માટે બંધારણીય પડકાર
જોકે, આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળવી હજુ બાકી છે. ડેનમાર્કનું બંધારણ નાગરિકોને સાર્વજનિક રીતે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. તેથી, નવો કાયદો અદાલતમાં ટકી શકશે કે નહીં તે જોવા માટે કાનૂની નિષ્ણાતોની સલાહ લેવાઈ રહી છે. ડેનમાર્કમાં અઝાનનો મુદ્દો નવો નથી, રાજધાની કોપનહેગન સહિતના ઘણા વિસ્તારોમાં સ્થાનિક ઘોંઘાટના નિયમો (Noise Pollution Rules) હેઠળ લાઉડસ્પીકર પર અઝાન પહેલેથી જ મર્યાદિત છે. આ સિવાય ૨૦૨૩માં સરકારે ધાર્મિક ગ્રંથોના અપમાન વિરુદ્ધ પણ કડક કાયદો બનાવ્યો હતો.
યુરોપમાં સાંસ્કૃતિક ઓળખની લડાઈ
ડેનમાર્કમાં આશરે ૨.૭ લાખ મુસ્લિમો વસે છે અને દેશભરમાં અંદાજે ૧૦૦ જેટલી મસ્જિદો છે. આવી સ્થિતિમાં અઝાન પર પ્રતિબંધનો નિર્ણય મુસ્લિમ સમુદાય માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં ડેનમાર્કની વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સનની સરકાર પોતાની કડક ઇમિગ્રેશન નીતિઓ માટે જાણીતી છે. મંત્રી બોડસ્કોવે સોશિયલ મીડિયા પર એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે વિદેશીઓ કાયદેસર રીતે ડેનમાર્કમાં રહેવા માટે હકદાર નથી, તેમને તબક્કાવાર રીતે દેશમાંથી બહાર કાઢવામાં આવશે. હાલમાં સમગ્ર યુરોપમાં હિજાબ, ઇમિગ્રેશન અને સાર્વજનિક ધાર્મિક પ્રવૃત્તિઓ પર દક્ષિણપંથી પક્ષો દ્વારા દબાણ સતત વધી રહ્યું છે.
આ પણ વાંચો:New Yorkમાં આગામી 2 વર્ષ સુધી નહીં વધે ઘરનું ભાડું, મેયર ઝોહરાન મમદાનીનો નિર્ણય