ક્યારેય બહેતર શિક્ષણ, વૈભવી જીવનશૈલી અને સુરક્ષિત ભવિષ્યના સપના સાથે યુરોપ તરફ આકર્ષાતા પ્રવાસીઓ માટે હવે ત્યાંની પરિસ્થિતિ પહેલા જેવી રહી નથી. બ્રિટન, આયર્લેન્ડ, જર્મની અને નેધરલેન્ડ જેવા અગ્રણી યુરોપિયન દેશોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ અને શરણાર્થીઓ વિરુદ્ધ સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરે-શહેરમાં હિંસક પ્રદર્શનો, આગજની અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આ બદલાતા માહોલની અસર ત્યાં વસતા કે ભવિષ્યમાં જવા ઈચ્છતા ભારતીયો પર પણ પડશે?
શા માટે સળગી રહ્યું છે યુરોપ?
સ્થાનિક લોકોની નારાજગી પાછળ મુખ્ય પાંચ કારણો જવાબદાર છે: મકાનોની અછત અને આસમાને આંબતા ભાડાં, વધતી જતી મોંઘવારી, શરણાર્થીઓ પાછળ થતો સરકારી ખર્ચ, કેટલીક ગુનાહિત ઘટનાઓ બાદ સુરક્ષાને લઈને ઊભી થયેલી ચિંતા અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ. વર્ષ ૨૦૧૫ના સીરિયા-અફઘાનિસ્તાન સંકટ અને તાજેતરના યુક્રેન યુદ્ધ બાદ લાખો શરણાર્થીઓ યુરોપ પહોંચ્યા છે, જેના કારણે સ્થાનિક સંસાધનો, શાળાઓ અને હોસ્પિટલો પર દબાણ અતિશય વધી ગયું છે. આયર્લેન્ડના બેલફાસ્ટમાં તાજેતરમાં થયેલી ચપ્પુબાજીની ઘટના બાદ ફાટી નીકળેલી હિંસાને કાબૂમાં લેવા માટે એન્ટી-રાયટ પોલીસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો છે.













