દરેક માણસ માટે તેનું ગામ માત્ર એક જગ્યા નથી, પરંતુ તેની ઓળખ, તેનો ગર્વ અને તેની લાગણી હોય છે. કોઈપણ વ્યક્તિ ખુશીથી કહે છે – “હું મારા ગામનો છું.” પરંતુ સ્વીડનમાં આવેલું એક નાનું અને શાંત ગામ એવું છે, જ્યાં લોકો પોતાના ગામનું નામ બોલતા પણ અચકાય છે અને લખતા તો ડરે જ છે. કારણ છે – સોશિયલ મીડિયા સેન્સરશીપ.
સ્વીડિશ ગામનું નામ છે “ફુકે (Fuke)”
આ સ્વીડિશ ગામનું નામ છે “ફુકે (Fuke)”. આ નામ સદીઓ જૂનું છે અને સ્વીડનના ઐતિહાસિક રેકોર્ડમાં અધિકૃત રીતે નોંધાયેલું છે. પરંતુ આજના ડિજિટલ યુગમાં આ નામ એક મોટી સમસ્યા બની ગયું છે. ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ નામને ખોટી રીતે અશ્લીલ અથવા અપમાનજનક શબ્દ તરીકે ઓળખે છે.
પોસ્ટ ડિલીટ થઇ જાય
પરિણામે, જો કોઈ ગામના લોકો ફેસબુક પર પોતાના ગામનું નામ લખે, તો તેમની પોસ્ટ ડિલીટ થઈ જાય છે અથવા તેમનું એકાઉન્ટ બ્લોક પણ થઈ શકે છે. કોઈ વ્યક્તિ પોતાના ઘરનું સરનામું લખે, નાના ધંધાની જાહેરાત કરે કે ફક્ત પોતાનું પરિચય આપે – બધું જ મુશ્કેલ બની ગયું છે. મીડિયા અહેવાલો મુજબ, આ ગામમાં ફક્ત 11 ઘરો છે. ગામલોકો કહે છે કે ગામ ખૂબ શાંત છે, અહીં કોઈ વિવાદ નથી, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી. છતાં, ગામનું નામ જ તેમના માટે શરમ અને તણાવનું કારણ બની ગયું છે. બાળકો, યુવાનો અને વૃદ્ધો – સૌ કોઈ આ સમસ્યાથી પરેશાન છે.
સરકાર સમક્ષ ગામનના નામ બદલવાની માંગ કરી
આ કારણે ગામલોકોએ સરકાર સમક્ષ ગામનું નામ બદલવાની માંગ કરી છે. તેઓ ઇચ્છે છે કે ગામનું નામ બદલીને “દાલસ્રો (Dalsro)” રાખવામાં આવે, જેનો અર્થ થાય છે – “શાંતિપૂર્ણ ખીણ”. આ નામ તેમની સંસ્કૃતિ અને પ્રકૃતિને વધુ યોગ્ય રીતે દર્શાવે છે. પરંતુ અહીં એક મોટી અડચણ છે. સ્વીડનના નિયમો અનુસાર, સદીઓ જૂના ઐતિહાસિક નામોને બદલવું સહેલું નથી. રાષ્ટ્રીય જમીન સર્વેક્ષણ વિભાગ અને હેરિટેજ બોર્ડ આવા નામોને ઇતિહાસનો ભાગ માને છે. અગાઉ પણ આવા કેટલાક કેસમાં નામ બદલવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
ટેક્નોલોજીના કારણે એક સમસ્યા
હાલમાં, સરકાર, ભાષા સંસ્થાઓ અને સાંસ્કૃતિક વિભાગ આ મુદ્દે વિચારણા કરી રહ્યા છે. કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. ત્યાં સુધી, ગામલોકો સોશિયલ મીડિયા પર પોતાના ગામનું નામ લખવાનું ટાળી રહ્યા છે. એક સમય હતો જ્યારે આ નામ ગર્વનું પ્રતિક હતું. આજે એ જ નામ આધુનિક ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સના કારણે એક સમસ્યા બની ગયું છે.
આ પણ વાંચો : ટાઈમપાસના બહાને Cafeમાં બેસવાનું માંડી વાળજો, થશે આટલા હજારને દંડ !