ગાઝા પટ્ટી સતત ઇઝરાયલના હુમલાઓનો ભોગ બની રહી છે. ત્યાંની સ્થિતી એટલી ભયાનક છે કે હવે મૃત્યુ રોજની સાહજિક ઘટના બની ગઈ છે. તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 51 પેલેસ્ટિનિયન લોકો મોતને ભેટ્યા છે અને 369 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુ પામનારા કેટલાક લોકો તો માત્ર માનવતાવાદી સહાય મેળવવા ગયેલા હતા.
આ સંઘર્ષમાં અત્યાર સુધી 61,827 પેલેસ્ટિનિયન લોકો જીવ ગુમાવી ચૂક્યા
ગાઝાના આરોગ્ય મંત્રાલય મુજબ, ઓક્ટોબર 2023થી ચાલુ આ સંઘર્ષમાં અત્યાર સુધી 61,827 પેલેસ્ટિનિયન લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 1,55,275 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. સતત ચાલતી બોમ્બબારી અને ગોળીબારના કારણે આખું ગાઝા ખંડેરોમાં ફેરવાઈ ગયું છે. ઘણી ઊંચી ઇમારતો હવે માત્ર ખંડેર અવશેષ બની ગઈ છે.
1,898 લોકો એવા છે જેમણે મદદ માગતી વખતે જીવ ગુમાવ્યા
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયએ ખુલાસો કર્યો છે કે મે 2024થી અત્યાર સુધીમાં 1,760 લોકો માનવતાવાદી સહાય મેળવવાના પ્રયાસમાં મર્યા છે, જે સંખ્યા ઓગસ્ટની શરૂઆતમાં દર્શાવાયેલા આંકડા કરતાં ઘણી વધુ છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, માત્ર 27 મે પછીથી 1,898 લોકો એવા છે જેમણે મદદ માગતી વખતે જીવ ગુમાવ્યા છે. હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સ્કૂલ પર હુમલો
ગાઝા સિટીમાં આવેલા એક શાળાને શુક્રવાર સાંજે થયેલા ઇઝરાયલના હુમલામાં નિશાન બનાવવામાં આવી હતી, જ્યાં ઘણી વિસ્થાપિત મહિલાઓ અને બાળકો આશરો લઈ રહ્યા હતા. આ હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનાં જીવ ગયા છે. સ્કૂલના પરિસરમાં હાહાકાર મચી ગયો હતો
ભૂખ સામે લડત, રાહત પૂરતી નથી
ગાઝામાં મૃત્યુ માત્ર બોમ્બ કે ગોળીથી નહીં, પણ હવે ભૂખથી પણ થઈ રહી છે. સૂપ કિચનની બહાર મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની લાંબી લાઇનો જોવાઈ રહી છે. લોકોને દિવસમાં એક સમયે ખાવાનું પણ નથી મળતું. હવાઈ માર્ગથી વિમાન દ્વારા રાહત સામગ્રી ફેંકવામાં આવી રહી છે, પરંતુ આ સહાય પણ અપર્યાપ્ત સાબિત થઈ રહી છે.
કુપોષણે લીધા નિર્દોષ જીવોના જાન
ગાઝા આરોગ્ય મંત્રાલયે 14 ઓગસ્ટે જાહેર કર્યું કે અત્યાર સુધીમાં ભૂખ અને કુપોષણના કારણે 239 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જેમાંથી 106 બાળકોએ જીવ ગુમાવ્યો છે. બીજી બાજુ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સેઝ એ દાવો કર્યો છે કે તેણે ઉત્તરી ગાઝાના બેઇત હનૂન વિસ્તારમાં હમાસની એક મોટી ભૂગર્ભ સુરંગને નષ્ટ કરી છે, જે અંદાજે 2.4 કિમી લાંબી હતી.
ગાઝાની ચીસો હવે દુનિયાભરમાં સંભળાય છે
IDFના દાવા મુજબ, તેણે તાજેતરમાં ખાન યુનિસ વિસ્તારમાં હમાસના વરિષ્ઠ કમાન્ડર નાસિર મૂસાને મારી નાખ્યો છે. પરંતુ જમીન પરના દૃશ્ય સંપૂર્ણપણે અલગ છે. લોકો બેઘર, ભૂખ્યાં અને તૂટેલા છે. શોક અને ચીસો હવે ગાઝાની સીમાઓ પાર કરીને દુનિયાના અનેક દેશોમાં સંભળાઈ રહી છે. અનેક દેશો મદદ કરવા ઈચ્છે છે, પણ હાલ બધાં ખાલી હાથે છે.













