ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ગાઝા પટ્ટીમાં માનવતાને હચમચાવી નાખે તેવી સ્થિતિ સર્જી છે. ભૂખમરો, તબીબી સેવાઓનો અભાવ અને બોમ્બમારાથી થયેલા મોત બાદ હવે એક નવો અને અત્યંત ગંભીર અહેવાલ સામે આવ્યો છે. ખાનગી ન્યૂઝના એક અહેવાલ મુજબ, ગાઝામાં હજારો મહિલાઓ અને છોકરીઓ પીરિયડ્સ દરમિયાન સેનિટરી પેડ્સ જેવી મૂળભૂત સુવિધાથી પણ વંચિત છે, જેના કારણે તેમનું જીવન અત્યંત મુશ્કેલ બની ગયું છે.
દીકરીની વેદના
એક અહેવાલમાં એક માતાએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, "અહીં રહેવું ખૂબ જ શરમજનક છે. મહિલાઓ માટે મૂળભૂત વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી." તેમણે કહ્યું કે જ્યારે તેમની દીકરીને પીરિયડ્સ આવે છે, ત્યારે તેઓ જૂના કપડાના ટુકડાઓનો ઉપયોગ કરીને સેનિટરી પેડ્સની જેમ આપે છે. સાફ-સફાઈ માટે સાબુ કે સ્વચ્છ પાણી જેવી ચીજોનો પણ અભાવ છે, જેણે પરિસ્થિતિને વધુ વણસાવી છે. રિપોર્ટમાં પ્રકાશિત થયેલા આંકડા ચોંકાવનારા છે. અંદાજે 70,000 મહિલાઓ અને છોકરીઓ આ ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
આરોગ્ય નિષ્ણાતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી
યુનાઈટેડ નેશન્સના આરોગ્ય નિષ્ણાતોએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ચેતવણી આપી છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો મહિલાઓને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ પરિસ્થિતિને કારણે ચેપ અને અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી ગયું છે. એક માતાએ હૃદયદ્રાવક સવાલ કરતા જણાવ્યું કે, "શું સેનિટરી પેડ્સ આટલા મોંઘા છે કે મારી દીકરીને તે મળી શકતા નથી? શું આ અમારા અધિકારનો ભાગ નથી?" આ સવાલ યુદ્ધની ભયાનકતા અને તેના માનવીય પરિણામોને દર્શાવે છે. યુદ્ધે માત્ર ઈમારતોનો નાશ નથી કર્યો, પરંતુ ગાઝાની દીકરીઓ પાસેથી તેમનું બાળપણ અને સામાન્ય જીવન પણ છીનવી લીધું છે.