ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં શૈક્ષણિક સહયોગ એક નવો પ્રાણ ફૂંકી રહ્યો છે. કેનેડા સરકાર અને ત્યાંની અગ્રણી યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ માટે "નવી પ્રતિભા વ્યૂહરચના" (New Talent Strategy) હેઠળ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન વધારવાનો અને પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે.


$25 મિલિયનની સ્કોલરશીપ અને સંશોધન તકો

કેનેડાની જગવિખ્યાત યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે $25 મિલિયન (આશરે 200 કરોડથી વધુ રૂપિયા) ના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ, 220 થી વધુ તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ ઉપરાંત, સંશોધન (Research) ક્ષેત્રે રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 300 જેટલી ભંડોળ પ્રાપ્ત સંશોધન પદો (Research Positions) પણ ઊભી કરવામાં આવશે. આનાથી ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાના અદ્યતન સંસાધનોનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરનો અનુભવ મેળવી શકશે.

ભારતમાં જ સ્થપાશે હાઈબ્રિડ અભ્યાસ કેન્દ્રો

આ વ્યૂહરચનાની સૌથી મોટી વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને કેનેડિયન શિક્ષણ મેળવવા માટે હંમેશા દેશ છોડવાની જરૂર નહીં પડે. ભારતમાં ત્રણ હાઈબ્રિડ અભ્યાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. જેમાં ડેલહાઉસી યુનિવર્સિટી અને આઈઆઈટી (IIT) તિરુપતિ વચ્ચેના સહયોગથી એક ખાસ ઇનોવેશન કેમ્પસ વિકસાવવામાં આવશે. આ કેન્દ્રો દ્વારા વિદ્યાર્થીઓ ભારતમાં રહીને જ કેનેડિયન અભ્યાસક્રમોમાં ભાગ લઈ શકશે, જે આર્થિક રીતે પણ ઘણું પરવડે તેમ રહેશે.

AI ક્ષેત્રે સહયોગ

આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને મેકગિલ યુનિવર્સિટી ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ કેન્દ્રમાં બંને દેશોના નિષ્ણાતો, સંશોધકો અને વિદ્યાર્થીઓ મળીને ભવિષ્યની ટેકનોલોજી પર કામ કરશે.

કેનેડા ભારતને એક મહત્વપૂર્ણ શૈક્ષણિક ભાગીદાર માને છે

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના કાર્યાલય દ્વારા 2 માર્ચ, 2026ના રોજ જારી કરાયેલા આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેનેડા ભારતને એક મહત્વપૂર્ણ શૈક્ષણિક ભાગીદાર માને છે. આ પહેલથી માત્ર વિદ્યાર્થીઓને આર્થિક મદદ જ નહીં મળે, પરંતુ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો પણ મજબૂત બનશે.

આ પણ વાંચોઃ  Chardham Yatra 2026: આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો કઈ રીતે કરશો નોંધણી


  • Follow us on: